કેનેડાની જાસૂસી એજન્સી કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ સોમવારે જણાવ્યું હતું કે ભારત અને ચીન તેની આગામી સામાન્ય ચૂંટણીમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે.
કેનેડામાં 28 એપ્રિલે યોજાનારી ચૂંટણી અંગેની એક પત્રકાર પરિષદને સંબોધતા CSISના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ વેનેસા લોયડે જણાવ્યું હતું કે દુશ્મન સ્ટેટ એક્ટર્સ ચૂંટણીમાં દખલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકે છે. ચીન તેના હિતોને અનુકૂળ નેરેટિવ પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તેવી પ્રબળ સંભાવના છે. ચીન ખાસ કરીને કેનેડામાં ચીની વંશીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સમુદાયોને ગુપ્ત અને ભ્રામક માધ્યમોનો ઉપયોગ કરીને ટાર્ગેટ બનાવી શકે છે.
ભારત અંગે તેમણે જણાવ્યું હતું કે અમે એ પણ જોયું છે કે ભારત સરકાર પાસે કેનેડિયન સમુદાયો અને લોકશાહી પ્રક્રિયાઓમાં દખલ કરવાનો ઇરાદો અને ક્ષમતા બંને છે. તેનાથી ભારત ભૂ-રાજકીય પ્રભાવ સ્થાપિત કરી શકે છે.
ભારત અને કેનેડા બંને આવા આરોપોને અગાઉ નકારી ચુક્યા છે. એક નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેનેડા ભારતની આંતરિક બાબતોમાં કેનેડાના હસ્તક્ષેપ કરે છે. કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેલે દાવો કર્યો હતો કે નવી દિલ્હીએ ફેડરલ ચૂંટણીમાં ત્રણ રાજકીય પક્ષોના ઉમેદવારોને ગુપ્ત નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રોક્સી એજન્ટોનો ઉપયોગ કર્યો હતો.
