India's GDP growth is expected to slow to 7% this year
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વના અર્થતંત્રો હાલમાં મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતના અર્થતંત્રમાં પણ નરમાઈના સંકેત મળી રહ્યા છે. અર્થતંત્રમાં ઘટતી જતી માંગ તથા માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નબળા દેખાવને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં ગયા વર્ષની સરખામણીમાં મોટો ઘટાડો થવાનો સરકારે અંદાજ રજૂ કર્યો છે. બજેટ પહેલા સરકારે જારી કરેલા ડેટા મુજબ ભારતીય અર્થતંત્ર 2022-23ના નાણાકીય વર્ષમાં 7 ટકાની વૃદ્ધિ નોંધાવશે. આની સામે દેશની જીડીપીમાં ગયા નાણાકીય વર્ષમાં 8.7 ટકાની વૃદ્ધિ થઈ હતી. ચાલુ વર્ષે જીડીપીમાં ઘટાડાને કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રનો દરજ્જો ગુમાવે તેવી ધારણા છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ શુક્રવારે જારી કરેલા રાષ્ટ્રીય આવકના આગોતરા અંદાજ મુજબ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન 2021-22માં 9.9 ટકાની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને 1.6 ટકા થવાનો અંદાજ છે. એ જ રીતે, ખાણકામ ક્ષેત્રની વૃદ્ધિ 2021-22ની 11.5 ટકાની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 2.4 ટકા રહેવાનો અંદાજ છે.

ચાલુ નાણાકીય વર્ષનો આર્થિક વૃદ્ધિનો આ અંદાજ સરકારના અગાઉના 8થી 8.5 ટકાના અંદાજ કરતાં ઘણો નીચો છે, જોકે રિઝર્વ બેન્કના 6.8 ટકાના અંદાજ કરતાં ઊંચો છે.ભારતીય અર્થતંત્ર 2022-23 નાનાણાકીય વર્ષમાં 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ 8.7 ટકા હતો, જેનું મુખ્ય કારણ ખાણકામ અને ઉત્પાદન ક્ષેત્રના નબળા પ્રદર્શન છે.

સરકારી એજન્સી NSOના નિવેદનમાં જણાવાયું હતું કે “નાણાકીય વર્ષ 2022-23માં સ્થિર (2011-12) ભાવોને આધારે વાસ્તવિક જીડીપી અથવા જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) રૂ.157.60 લાખ કરોડ રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2021-22 માટે જીડીપીના કામચલાઉ અંદાજ રૂ.147.36 લાખ કરોડ હતી.

નિવેદનમાં જણાવાયું છે કે 2022-23 દરમિયાન રિયલ જીડીપીમાં વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને 7 ટકા થવાની ધારણા છે, જે 2021-22માં 8.7 ટકા હતી. NSOનો આ અંદાજ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 6.8 ટકા જીડીપી વૃદ્ધિના અંદાજ કરતાં થોડો વધારે છે. નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં વર્તમાન ભાવને આધારે જીડીપી અથવા નોમિનલ જીડીપી રૂ.273.08 લાખ કરોડ રહેવાનોનો અંદાજ છે, જે 2021-22ના નાણાકીય વર્ષમાં રૂ.236.65 લાખ કરોડ હતી. 2022-23 દરમિયાન નોમિનલ જીડીપીમાં વૃદ્ધિ 2021-22માં 19.5 ટકાની સરખામણીએ 15.4 ટકા રહેવાનો અંદાજ છે.

LEAVE A REPLY