India's GDP dangerously close to Hindu rate of growth: Raghuram Rajan
(Photo by NICHOLAS KAMM/AFP via Getty Images)

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 4.4 ટકા થયા પછી ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપી છે કે ખાનગી ક્ષેત્રના ઘટેલા રોકાણ, ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક વૃદ્ધિ ધીમી હોવાને કારણે ભારત હિન્દુ રેટ ઓફ ગ્રોથની ખતરનાક રીતે નજીક છે. આર્થિક વૃદ્ધિમાં ત્રિમાસિક ધોરણે થઈ રહેલી નરમાઈ ચિંતાજનક છે.

1950થી 1980ના દાયકાના નીચા આર્થિક વૃદ્ધિદરનું વર્ણન કરવા સામાન્ય રીતે હિન્દુ ગ્રોથ રેટ શબ્દનો ઉપયોગ થાય છે. 1950થી 1980 સુધી ભારતના અર્થતંત્રનો વૃદ્ધિદર સરેરાશ 4 ટકા રહ્યો હતો. આમ ગ્રોથરેટ ચાર ટકા થાય તો તેને હિન્દુ ગ્રોથ રેટ કહેવામાં આવે છે. ધીમી આર્થિક વૃદ્ધિનું વર્ણન કરવા માટે 1978માં ભારતીય અર્થશાસ્ત્રી રાજ કૃષ્ણે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબરથી ડિસેમ્બર)માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ઘટીને 4.4 ટકા થયો હતો, જે બીજા ક્વાર્ટરમાં 6.3 ટકા અને પ્રથમ ક્વાર્ટરમાં 13.2 ટકા હતો.

રાજને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “અલબત્ત, આશાવાદીઓને ભૂતકાળના જીડીપી આંકડાઓમાં વધારા તરફી સુધારો થવાનો અંદાજ છે, પરંતુ હું ક્વાર્ટર દર ક્વાર્ટર વિશે ચિંતિત છું. ખાનગી ક્ષેત્ર રોકાણ કરવા માટે તૈયાર નથી, આરબીઆઈ હજુ પણ વ્યાજદરમાં કરી રહી છે અને વૈશ્વિક વૃદ્ધિ વર્ષના અંતમાં ધીમી થવાની સંભાવના છે. તેથી મને ખાતરી નથી કે આપણાને આર્થિક વૃદ્ધિનું વધારાનું મોમેન્ટમ ક્યાંથી મળશે.

મોદી સરકારની નીતિના ટીકાકાર ગણાતા રાજને જણાવ્યું હતું કે મુખ્ય પ્રશ્ન એ છે કે 2023-24ના ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય વૃદ્ધિ શું હશે. મને અગાઉ ચિંતા છે કે જો આપણે 5 ટકા વૃદ્ધિને આંબીશું તો આપણે ભાગ્યશાળી રહીશું. ઓક્ટોબર ડિસેમ્બર જીડીપીના આંકડા (4.4 ટકા વૃદ્ધિ) સંકેત આપે છે કે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનાના આંકડા નીચા રહેશે. મારો ડર ખોટો ન હતો. આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે 4.2 ટકાનો વધુ નીચો અંદાજ આપે છે. હાલમાં ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરેરાશ આર્થિક વૃદ્ધિ  મહામારી પહેલાના ક્વાર્ટરની તુલનામાં માત્ર 3.7 ટકા છે. આ ખતરનાક રીતે આપણા જૂના હિન્દુ વૃદ્ધિ દરની નજીક છે! આપણે વધુ સારું કરવું જોઈએ.

રાજનને સર્વિસ ક્ષેત્રની ચમકતુ ક્ષેત્ર દર્શાવ્યું હતું, પરંતુ ઉમેર્યું હતું કે તેમાં સરકારના વધુ પ્રયાસો હોતા નથી. સરકારની સફળ ગણાવતી  પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અંગે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે કોઈપણ યોજના કે જેમાં સરકાર નાણાં ઠાલવે છે તે નોકરીઓનું સર્જન કરે છે. ખરું મૂલ્યાંકન એ છે કે કેટલી નોકરીનું સર્જન થઈ રહ્યું છે અને તેની નોકરી દીઠ કિંમત શું છે. સરકારના પોતાના આંકડા પ્રમાણે સૂચિત રોકાણનું 15 ટકા રોકાણ આવ્યું છે, પરંતુ અંદાજિત નોકરીઓમાંથી માત્ર 3 ટકા જ નોકરીનું સર્જન થયું છે.આ ઓછામાં ઓછું હાલમાં તો સફળતા જેવું લાગતું નથી.

રાજને જણાવ્યું હતું કે એ જ રીતે, સરકારી પ્રવક્તા સેલફોનની નિકાસમાં થયેલા વધારાને આ સ્કીમનો પુરાવો ગણાવે છે. પરંતુ જો આપણે નિકાસ કરવામાં આવતા દરેક સેલ ફોન પર સબસિડી આપી રહ્યા છીએ. મુખ્ય પ્રશ્ન એ છે કે ભારતમાં કેટલું મૂલ્યવર્ધન થાય છે. આવું મૂલ્યવર્ધન અત્યાર સુધી ખૂબ જ ઓછું છે.

LEAVE A REPLY