ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી હવે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી સૂર્ય મિશન આદિત્ય એલ-1નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હવે ઇસરો સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે શનિવારે સવારે નિર્ધારિત સમયે PSLV XL રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય L1 અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. 63 મિનિટ 19 સેકન્ડ પછી રોકેટે આદિત્ય L1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. અવકાશયાન 235 x 19500 કિ.મી.ની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આદિત્ય અવકાશયાન લગભગ 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે. આ બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ મિશનનો અંદાજિત ખર્ચ રૂ. 378 કરોડ થાય છે.

ઇસરોએ જણાવ્યું હતું કે PSLV C57માં આદિત્ય L1નું 23.10 કલાકનું કાઉન્ટડાઉન શુક્રવારે શ્રીહરિકોટા ખાતે શરૂ થયું હતું. ઈસરોના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું હતું કે સૂર્ય મિશનને ચોક્કસ ત્રિજ્યા સુધી પહોંચવામાં 125 દિવસનો સમય લાગશે. આદિત્ય L1 સોલર કોરોનાનું દૂરથી અવલોકનો કરશે તથા એલ વન પોઇન્ટ ((સન-અર્થ લેગ્રેંજિયન પોઈન્ટ) પરથી સૌર પવનનું ઇન-સીટુ અવલોકનો કરશે. આ એલ-વન પોઇન્ટ પૃથ્વીથી આશરે 15 લાખ કિમી દૂર છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જિયન પોઇન્ટ છે. સૂર્યના પ્રભામંડળની ભ્રમણકક્ષામાં રહેલા એલ-વન પોઇન્ટથી કોઇપણ અવરોધ વગર સૂર્યનું સતત નિરીક્ષણ કરવાની તક પૂરી પાડે છે. આનાથી સૌર ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરવાનો વધુ ફાયદો થશે.
સૂર્ય સૌથી નજીકનો ગ્રહ છે અને તેથી અન્ય ગ્રહની તુલનામાં તેનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. સૂર્યનો અભ્યાસ કરીને આકાશગંગા તેમજ અન્ય વિવિધ તારામંડળના તારાઓ વિશે ઘણું જાણી શકાય છે. સૂર્યમાં અનેક વિસ્ફોટક ગતિવિધિઓ થાય છે અને સૂર્યમંડળમાં પુષ્કળ ઊર્જા છોડે છે. જો આવી પ્રચંડ ઊર્જાને પૃથ્વી તરફ વાળવામાં આવે તો તેનાથી પૃથ્વી નજીકના અવકાશી વાતાવરણમાં વિવિધ પ્રકારના વિક્ષેપો ઊભા કરી શકે છે. આ વિક્ષેપોથી સ્પેસક્રાફ્ટ અને કમ્યુનિકેશન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી ઘટનાઓની અર્લી વોર્નિંગથી અગાઉથી સુધારાના પગલાં લઈ શકાય છે.

ISROના વૈજ્ઞાનિકોએ ‘XL’નો ઉપયોગ કર્યો છે, જે પોલર સેટલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV)નું વધુ શક્તિશાળી વેરિયન્ટ છે. આ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ શનિવારે સાત પેલોડ સાથે અવકાશયાનને લઈ ગયું છે. 2008માં ચંદ્રયાન-1 મિશન અને 2013માં માર્સ ઓર્બિટર મિશન (MOM)માં સમાન PSLV-XL વેરિઅન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવકાશયાનમાં રહેલા કુલ સાત પેલોડ્સમાંથી ચાર પેલોડ્સ સીધા સૂર્યને જોશે જ્યારે બાકીના ત્રણ L1 બિંદુ પર કણો અને ક્ષેત્રોનો ઇન-સીટુ અભ્યાસ હાથ ધરશે.

આદિત્ય એલ-1નું પ્રાઇમરી પે લોડ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) દરરોજ ગ્રાઉન્ડ સ્ટેશન પર 1400 તસવીરો મોકલશે. જેનું એનાલિસિસ કરવામાં આવશે. આદિત્ય એલ-1નું સૌથી મોટાં અને ટેકનિકલી સૌથી પડકારજનક પેલોડ VELCને ઇસરોનાં સહયોગથી બેંગલુરુ પાસેનાં હોસ્કોટેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ IIA CREST (સેન્ટર ફોર રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન સાયન્સ ટેકનોલોજી) ખાતે સંકલિત કરવામાં આવ્યું હતું. આદિત્ય એલ-1ને સૂર્યની દિશામાં હાલો ઓર્બિટમાં મૂકવામાં આવશે અને તેથી તે સૂર્યને સતત જોઇ શકશે. આદિત્ય એલ-1ના ના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડો. મુથુ પ્રિયાલે જણાવ્યું હતું કે, પેલોડ પ્રતિ મિનિટ એક તસવીર મોકલશે, જેથી ગ્રાઉન્ડ સ્ટેશન પર અમને 24 કલાકમાં આશરે 1440 તસવીર મળશે.

LEAVE A REPLY