ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામમેન્ટમાં રવિવારે (30 ઓક્ટોબર) ભારતે બે મેચમાં વિજય પછી પરાજયનો પહેલો સ્વાદ ચાખ્યો હતો, તો એ જ ગ્રુપમાં રહેલા પાકિસ્તાને પહેલી બે મેચમાં છેલ્લા બોલે પરાજય પછી રવિવારે જ પહેલો વિજય હાંસલ કર્યો હતો. સુપર 12 ગ્રુપમાં હવે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં ખૂબજ મુશ્કેલ છે, તો ભારતે પણ સેમિફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્ઝ સામેની બાકીની બન્ને મેચમાં વિજય હાંસલ કરવો જરૂરી છે. રવિવારે સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પર્થની બાઉન્સી વિકેટ ઉપર પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેના પાસા અવળા પડ્યા હતા અને 50 રન સુધી પહોંચતા પહેલા તો ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
એ પછી જો કે, સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકે 50 રનથી વધુની ભાગીદારી સાથે ટીમનો સ્કોર 100 રનથી આગળ પહોંચાડ્યો હતો, પણ એ બન્ને છેક સુધી ટકી શક્યા નહીં, તેના પગલે ભારત 9 વિકેટે 133 રન જ કરી શક્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એંગીડિએ પહેલી ત્રણ વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો હતો, એકંદરે તેણે ચાર ઓવરમાં 29 રન આપી ચાર શિકાર ઝડપ્યા હતા.
ભારતના આઠ બેટ્સમેન તો બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા નહોતા.જવાબમાં જો કે ભારતે પણ સાઉથ આફ્રિકાની પહેલી ત્રણ વિકેટ તો છઠ્ઠી ઓવરમાં જ પાડી દીધી હતી અને ત્યારે તેનો સ્કોર પણ ફક્ત 24 રન સુધી જ પહોંચ્યો હતો. પણ એ પછી મારક્રમ અને મિલરે અડધી સદીઓ ફટકારી ટીમને વિજયની મંઝિલ ભણી મક્કમપણે આગળ ધપાવી હતી. ભારતની કંગાળ ફિલ્ડીંગે પણ તેમાં સાઉથ આફ્રિકાને મદદ કરી હતી. આખરે, છેલ્લી ઓવરમાં બે બોલ બાકી હતા ત્યારે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે 137 કરી વિજય હાંસલ કર્યો હતો. નેધરલેન્ડ્ઝ સામે ભારતને 56 રને વિજયઃ એ અગાઉ, ગુરૂવારે (27 ઓક્ટોબર) ભારતે નેધરલેન્ડ્ઝને 56 રને આસાનીથી હરાવી સ્પર્ધાનો બીજો વિજય નોંધાવ્યો હતો. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને બે વિકેટે 179 રન કર્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્ઝની ટીમ 9 વિકેટે 123 જ કરી શકી હતી.
ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 53 રન કર્યા હતા, તો કોહલીએ અણનમ 62 તથા સૂર્યકુમાર યાદવે અણનમ 51 કર્યા હતા. સૂર્યકુમારે તો ફક્ત 25 બોલમાં, સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે અડધી સદી કરી હતી.
ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે સૌથી વધુ વેધક બોલિંગ કરતાં ત્રણ ઓવરમાંથી બે મેઈડન સાથે ફક્ત 9 રન આપી બે વિકેટ લીધી હતી. તે ઉપરાંત અર્શદીપ, અક્ષર પટેલ અને રવિચન્દ્રન અશ્વિને પણ બે-બે તથા શમીએ એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાન સામે છેલ્લા બોલે દિલધડક વિજયઃ એક સપ્તાહ પહેલાના રવિવારે (23 ઓક્ટોબર) ભારતે વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને છેલ્લી ઓવરની જબરજસ્ત ઉત્તેજના વચ્ચે છેલ્લા બોલે વિજય સાથે ચાર વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 159 રન કર્યા હતા. શાન મસુદે અણનમ 52 તથા ઈફ્તિખાર અહેમદે 51 કર્યા હતા, તે સિવાય ફક્ત શાહિન શાહ આફ્રિદી બે આંકડાના સ્કોરે પહોંચ્યો હતો.
ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર સૌથી વધુ અસરકારક રહ્યો હતો, તેણે ચાર ઓવર્સમાં ફક્ત 22 રન આપી એક વિકેટ લીધી હતી, પણ તેણે ઉભા કરેલા દબાણના પગલે અર્શદીપે બન્ને ઓપનર્સને સસ્તામાં ઘરભેગા કર્યા પછી એકંદરે ચાર ઓવર્સમાં 32 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, તો હાર્દિક પંડ્યાએ ત્રણ તથા શમીએ એક વિકેટ લીધી હતી.