લંડનમાં કિંગ ચાર્લ્સ દ્વારા તાજેતરમાં ભારતની મહિલા ઇ-રીક્ષા ડ્રાઇવરને સન્માનિત કરવામાં આવી હતી. આ મહિલા ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના એક નાના ગામની રહેવાસી છે અને તે ઈ-રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે. કિંગ ચાર્લ્સે 18 વર્ષીય આરતીને બકિંગહામ પેલેસ ખાતે અમલ ક્લુની મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરી હતી. ભારત સરકારની પિંક ઈ-રિક્ષા યોજનામાં કામ કરીને અન્ય મહિલાઓને પ્રેરણા આપવા બદલ આરતીનું સન્માન કરવામાં આવ્યું હતું. અમલ ક્લુની એક જાણીતા માનવાધિકાર વકીલ છે. આ એવોર્ડ તેમના નામે આપવામાં આવે છે. આરતી તેની ગુલાબી ઈ-રિક્ષા લઇને બકિંગહામ પેલેસ ખાતે આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં ગઇ હતી. તેણે જણાવ્યું હતું કે, હું કિંગ ચાર્લ્સને મળીને ખૂબ જ ખુશ થઇ હતી. મને ગર્વ છે કે હું અન્ય મહિલાઓને પ્રેરણા આપી શકું છું જે મારા જેવા પડકારોનો સામનો કરી રહી છે. આરતીને પાંચ વર્ષની દીકરી છે, અને તેના માટે તેણે લંડનની પ્રથમ મુલાકાત દરમિયાન કેક અને શૂઝ ખરીદ્યા હતા. આરતી અંગે બ્રિટિશ માનવાધિકાર કાર્યકર્તા અમલ ક્લુનીએ જણાવ્યું હતું કે, આ વર્ષની એવોર્ડ વિજેતા આરતી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, જેમણે પુરુષોના વર્ચસવાળા આ ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે.