India's economy grew by 13.5% GDP increase
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાવી છે, જે છેલ્લાં ચાર ક્વાર્ટરની સૌથી ઝડપથી વૃદ્ધિ છે. વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસિત અર્થતંત્રની સિદ્ધી ભારતે જાળવી રાખી છે. કારણ કે ચીનને 2022ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 0.4 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જોકે ભારતનો 13.5 ટકાનો જીડીપી ગ્રોથ રિઝર્વ બેન્કના 16.2 ટકાના આ મહિનાના પ્રારંભના અંદાજ કરતા નીચો છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા મુજબ 2021-22ના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં ભારતના અર્થતંત્રે 20.1 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર 2021માં જીડીપીમાં 8.4 ટકા, ઓક્ટોબર-ડિસેમ્બર 2021માં 5.4 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2022 ક્વાર્ટરમાં 4.1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

NSOના નિવેદનમાં જણાવાયું હતું કે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી (2011-12ના સ્થિર ભાવ આધારે) રૂ. 36.85 લાખ કરોડ થઈ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.32.46 લાખ કરોડ હતી. આમ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના 20.1 ટકાની સામે તેમાં 13.5 ટકાની વૃદ્ધિ થઈ હતી.

2020ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિયલ જીડીપી રૂ.27.03 લાખ કરોડ રહી હતી. કોરોના મહામારીને પગલે આકરા લોકડાઉનને કારણે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.8 ટકાનો ધરખમ ઘટાડો થયો હતો.

સત્તાવાર ડેટા મુજબ ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) ચાલુ વર્ષના એપ્રિલ જૂનમાં 12.7 ટકા વધીને રૂ.34.41 લાખ કરોડ થયું હતું. પ્રથમ ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં જીવીએ ગ્રોથ 4.5 ટકા રહ્યો હતો, જે ગયા વર્ષે 2.2 ટકા હતો.

જોકે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જીવીએ વૃદ્ધિ તીવ્ર ઘટીને 4.8 ટકા થઈ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 49 ટકા હતું. માઇનિંગ ક્ષેત્રની જીવીએ વૃદ્ધિ આ સમયગાળામાં 18 ટકાની સરખામણીમાં 6.5 ટકા રહી હતી. કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં જીવીએ ગ્રોથ આ સમયગાળામાં 71.3 ટકાની સામે 16.8 ટકા રહ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વીજળી, વોટર સપ્લાય અને અન્ય યુટિલિટી સર્વિસની જીવીએ વૃદ્ધિ ગયા વર્ષના સમાન ગાળાના 12.8 ટકાની સામે 14.7 ટકા રહી હતી, જ્યારે સર્વિસ ક્ષેત્રની વૃદ્ધિ 34.3 ટકાની સામે 25.7 ટકા રહી હતી. ફાઇનાન્શિયલ, રિયલ અસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસિસની વૃદ્ધિ પ્રથમ ક્વાર્ટરમાં 9.2 ટકા રહી હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 2.3 ટકા હતી.

 

LEAVE A REPLY