ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડિવિઝન ચીફ ડેનિયલ લેઇએ તાજેતરમાં જણાવ્યું હતું કે, “ભારતનું અર્થતંત્ર ઘણું મજબૂત છે. અત્યારે તે વૈશ્વિક અર્થતંત્રમાં ઊંચા વૃદ્ધિદર સાથેનો ચમકતો સિતારો છે. અમે ભારત માટે ૨૦૨૨માં ૬.૮ ટકાની વૃદ્ધિનો અંદાજ જાહેર કર્યો હતો. ત્યાં વૃદ્ધિદર ઘણો ઊંચો છે અને જાન્યુઆરીની તુલનામાં તેમાં માત્ર ૦.૨ ટકાના ઘટાડાનો અંદાજ છે.”
ઉલ્લેખનીય છે કે, IMFએ ગત મંગળવારે ૨૦૨૩-૨૪ માટે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ અગાઉના ૬.૧ ટકાથી ઘટાડી ૫.૯ ટકા કર્યો હતો. વૃદ્ધિમાં ઘટાડા છતાં ભારત વિશ્વનો સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવતું અર્થતંત્ર હોવાની માહિતી IMFના ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક’ના ડેટામાં જાહેર કરવામાં આવી છે. લેઇએ કહ્યું હતું કે, “૨૦૨૦-૨૧ અમારી ધારણા કરતાં ઘણું સારું રહ્યું હતું. એટલે પછીના વર્ષોમાં મોટી વૃદ્ધિની શક્યતા ઘટી છે. તેને લીધે આ વર્ષે જુદાજુદા દેશોની આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરાયો છે. આગામી વર્ષે ફરી ૬.૩ ટકાનો વૃદ્ધિદર નોંધાઈ શકે.” તેમણે જણાવ્યું હતું કે, “સારી આર્થિક વૃદ્ધિને પગલે ભારતમાં જીવનધોરણનું સ્તર વધશે અને રોજગારીનું સર્જન થશે.”
IMFની ધારણા મુજબ આવનારા સમયમાં ભારતમાં ફુગાવો ઘટવાની સંભાવના છે. આ વર્ષે ફુગાવાનો દર ઘટીને ૪.૯ ટકા થશે. જ્યારે આગામી નાણાકીય વર્ષમાં તે વધુ ઘટાડા સાથે ૪.૪ ટકા પહોંચવાનો અંદાજ છે. ભારતીય અર્થતંત્ર માટે IMFની વૃદ્ધિનો અંદાજ રીઝર્વ બેન્કની તુલનામાં ઓછો છે. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ભારત માટે સાત ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કર્યો છે. જ્યારે એક એપ્રિલથી શરૂ થયેલા વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૬.૪ ટકાના દરે વિકાસ સાધશે એમ રીઝર્વ બેન્કનું માનવું છે.