India's diamond industry is hit by falling US-China demand
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકા અને ચીનની માગમાં ઘટાડાને કારણે ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન મુખ્ય માર્કેટ ગણાય છે.આ બંને દેશો આર્થિક નરમાઈમાંથી પસાર થઈ રહ્યા હોવાથી ડિમાન્ડને અસર થઈ છે તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું.

વિશ્વમાં ભારત સૌથી વધુ ડાયમંડ પોલિશ કરે છે અને ડાયમંડ પોલિશિંગનું હબ ગણાય છે. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની એક્સપોર્ટ 10 ટકા ઘટીને 22 બિલિયન ડોલર થઈ હતી. રશિયા – યુક્રેન યુદ્ધના કારણે રશિયાથી રફ ડાયમંડની સપ્લાય અનિશ્ચિત બની ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં પણ ડાયમંડની માંગ ઘટી છે. આ ઉપરાંત સેલ્સમાં નરમાઈ છે તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે અમેરિકા અને ચીનમાં ફુગાવો વધી ગયો છે. ચીનમાં કોવિડના નિયંત્રણો ઉઠાવી લીધા પછી પણ રિકવરી નરમ છે. આ ઉપરાંત ગોલ્ડના ભાવ વોલેટાઈલ છે જેના કારણે ડાયમંડ મર્ચન્ટ્સ માટે વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. અત્યારે સપ્લાય અને એક્સપોર્ટ બંનેમાં તકલીફ પડી રહી છે. ગુજરાતમાં સુરત ખાતે ડાયમંડ યુનિટ્સમાં નીચી ઈન્વેન્ટરી રાખવામાં આવે છ, શિફ્ટમાં પણ ફેરફાર થયા છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન ઈકોનોમી જ્યાં સુધી ફરી મજબૂત નહીં થાય ત્યાં સુધી ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે મુશ્કેલીઓ ચાલુ રહેશે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે. ભારતે એક વર્ષમાં 30 લાખથી વધારે ડાયમંડ લેબોરેટરીમાં વિકસાવ્યા છે. લેબ આધારિત ડાયમંડના ગ્લોબલ ઉત્પાદનમાં તે 15 ટકા હિસ્સો ધરાવે છે. ચીન પણ લેબ-ગ્રોન ડાયમંડમાં મોટું ઉત્પાદક છે અને ભારત જેટલો જ માર્કેટ શેર ધરાવે છે. તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ઈમ્પોર્ટેડ ડાયમંડ સીડ્સ પર 5 ટકાનો ટેક્સ દૂર કર્યો હતો અને ઈન્ડસ્ટ્રીને ડાયમંડ સીડ ઉત્પાદનમાં ટેકો આપવા માટે ફંડિંગની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY