અમેરિકન ડીફેન્સ ડીપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતના ડીફેન્સ એટેચીને હવે પેન્ટાગોનમાં એસ્કોર્ટ વિના આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે.
સોમવારે ભારતના સ્વાતંત્ર્ય દિને ઇન્ડિયન એમ્બેસેડર તરનજિત સિંઘ સંધુ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત એક સમારંભમાં અમેરિકન એરફોર્સ સેક્રેટરી ફ્રાંક કેન્ડોલે જણાવ્યું હતું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો સતત મજબૂત બની રહ્યા છે. આ કારણે પેન્ટાગોનમાં ભારતીય ડીફેન્સ એટેચી (ભારતીય દૂતાવાસના સંરક્ષણ પ્રતિનિધિ) સુરક્ષા વગર (અનએસ્કોર્ટેડ) આવન-જાવનની મંજુરી અપાઈ છે. આ પ્રકારનું પગલું વિશ્વાસ અને સહકારનું પ્રતિબિંબ છે. ભારત સાથેના અમારા સંબંધો વિશ્વાસ અને સહયોગના છે.’
કેન્ડોલે એક મહત્ત્વની વાત કરતા જણાવ્યું હતું કે, જો આપ માનતા હો કે, પેન્ટાગોનમાં સુરક્ષા વિના જવું કોઇ મોટી વાત નથી તો, હું આપને સમજાવી દઉં કે, હું પણ ત્યાં એસ્કોર્ટ વગર જઇ શકતો નથી. અમેરિકાના ડીફેન્સ ડીપાર્ટમેન્ટના હેડક્વાર્ટર-પેંટાગોનમાં પ્રવેશ મેળવવો સૌથી કઠીન ગણાય છે. અમેરિકન નાગરિકોને પણ ઉચ્ચ કક્ષાની સિક્યુરિટી તપાસ વગર તેના બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવતો નથી.