યુક્રેન સામેના યુદ્ધના કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં ભારતે રશિયા પાસેથી ફ્યુઅલ ખરીધ્યું છે. આ અંગે ભારતના વિદેશી બાબતોના પ્રધાન એસ જયશંકરે વિદેશી મીડિયાને જણાવ્યું હતું કે, ભારત 2000 ડોલર પ્રતિ વ્યક્તિ આવક ધરાવતો દેશ છે. અહીંના લોકો એવા નથી કે જેમને ફ્યુઅલના વધતા ભાવો પરવડી શકે. તેથી તેમને સસ્તા દરે ફ્યુઅલ આપવું એ અમારી નૈતિક જવાબદારી છે. જયશંકર તાજેતરમાં બેંગકોકમાં ભારતીય સમુદાય સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે આ બાબતો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક દેશ ફ્યુઅલની વધતી કિંમતોને ઘટાડવા માટે યોગ્ય પગલા લેવાનો પ્રયત્ન કરે છે અને ભારત એ જ કરી રહ્યું છે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે જો, યુરોપ મધ્ય–પૂર્વ અને અન્ય સ્ત્રોતોમાંથી ફ્યુઅલની ખરીદી રહ્યું છે, તો ભારતને પણ શ્રેષ્ઠ ડીલ કરવાનો અધિકાર છે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે અમે અમારા હિતોને લઈને ખૂબ જ ઈમાનદારીથી અને જાહેરમાં કામ કરી રહ્યા છીએ. ઓઈલ ગેસના આટલા ઊંચા ભાવનો બોજ દેશના નાગરિકો સહન કરી શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ફ્યુઅલ ખરીદવાના ભારતના નિર્ણયની ઘણા સમયથી ટીકા થઈ રહી છે.