ભારતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 45,720 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાએ 1,129 લોકોનો ભોગ લીધો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 12,38,635 થઈ ગયો છે.
જેમાંથી 4,26,167 એક્ટિવ કેસ અને 7,82,606 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ 19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં 29,861 લોકોના મૃત્યુ થયા છે. આ બાજુ ICMR દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ બુધવારે ભારતમાં કોરોનાના 3,50,823 ટેસ્ટ કરવામાં આવ્યાં. આ સાથે જ દેશમાં કોરોનાના ટેસ્ટિંગનો આંકડો 1,50,75,369 પર પહોંચ્યો છે.
ભારતમાં હાલ કોરોનાના 4,26,167 એક્ટિવ કેસ છે. તાજા આંકડા મુજબ મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 1310 નવા કેસ સામે આવ્યાં આ સાથે જ કુલ કેસની આંકડો એક લાખ ચાર હજાર 572 થયો છે. જ્યારે મહામારીના કારણે 58 લોકોના મોત સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં મૃતકોની સંખ્યા વધીને 5872 થઈ ગઈ.
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં 337607 કેસ નોંધાયા છે. જ્યારે 12556 લોકોના મૃત્યુ થયા છે. બીજા નંબરે 186492 કેસ સાથે તામિલનાડુ આવે છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3144 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં હાહાકાર મચાવ્યાં બાદ હાલ કોરોના થોડો કંટ્રોલમાં છે આમ છતાં રાજ્યમાં કોરોનાના કુલ 126323 કેસ નોંધાયા છે. જ્યારે 3719 લોકોના મોત થયા છે.