ભારતમાં ઘરઆંગણાની ક્રિકેટ સ્પર્ધા – વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રના અને આઈપીએલના એક સ્ટાર બેટ્સમેન, ઋતુરાજ ગાયકવડે એક ઓવરમાં સાત છગ્ગા મારી એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તર પ્રદેશ સામેની મેચમાં ડાબોડી સ્પિનર શિવા સામે આ રેકોર્ડ કર્યો હતો. શિવાએ એક નો બોલ પણ આ ઓવરમાં કર્યો હતો અને ગાયકવાડે તેના સહિત સાતેસાત બોલમાં દરેક બોલે છગ્ગા માર્યા હતા. આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.
આ મેચમાં ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન કર્યા હતા અને તેમાં ચોગ્ગા કરતાં છગ્ગા વધારે – 10 ચોગ્ગા અને 16 છગ્ગા ઝુડી નાખ્યા હતા. ગાયકવાડ ભારત તરફથી પણ અત્યાર સુધીમાં 1 ODI અને 9 T20 મેચ રમી ચૂક્યો છે.
તેણે વિજય હજારે ટ્રોફીની છેલ્લી 8 ઇનિંગ્સમાં 6 સદી પણ કરી છે. 25 વર્ષના આ યુવાન બેટ્સમેનની લિસ્ટ-એ કારકિર્દીની આ 13મી સદી છે.