ગયા સપ્તાહે શનિવારે ચીનના હાંગઝાઉમાં પુરી થયેલી એશિયન ગેમ્સમાં ભારતે આ સ્પર્ધાઓમાં તેના અત્યારસુધીના સૌથી શાનદાર દેખાવ સાથે 107 મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોંઝ મેડલ્સનો સમાવેશ થાય છે. ભારતની નોંધપાત્ર સફળતામાં તેણે ક્રિકેટ અને હોકીમાં તથા પુરૂષો અને મહિલાઓની કબડ્ડીની ટીમ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને એ સાથે હોકીમાં વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મેડલ્સ ટેબલમાં ભારત ચોથા ક્રમે રહ્યું હતું. આ અગાઉ, છેક 1962માં ઈન્ડોનેશિયાના જાકાર્તામાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું હતું.
ભારતે આ વખતે પહેલીવાર સૌથી વધુ ૨૮ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. આ અગાઉનો ભારતનો શ્રેષ્ઠ દેખાવ ૨૦૧૮ના એશિયાડમાં ૧૬ ગોલ્ડ જીતવાનો હતો.
ભારતે ગેમ્સના ૧૪માં દિવસે છ ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ ૧૨ મેડલ જીતી લીધા હતા.
આ વખતે ભારતને સૌથી વધુ ૨૯ મેડલ એથ્લેટિક્સમાં – છ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. સૌથી વધુ ૭ ગોલ્ડ મેડલ શૂટિંગમાં મળ્યા હતા. આ સિવાય શૂટરોએ નવ સિલ્વર અને ૬ બ્રોન્ઝ એમ કુલ ૨૨ મેડલ જીત્યા હતા. ભારતીય તીરંદાજોએ પાંચ ગોલ્ડ સાથે બે સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે ૯ મેડલ જીતી લીધા હતા.
એશિયન ગેમ્સ હોકીમાં જાપાનને હરાવી ભારત ચેમ્પિયન
એશિયન ગેમ્સમાં ભારતની પુરૂષોની હોકી ટીમે ફાઈનલમાં જાપાનને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મેન્સ હોકીમાં ભારતનો આ રેકોર્ડ 16મો મેડલ છે, તેમાંથી 4 ગોલ્ડ મેડલ છે. ભારતે ગ્રુપ રાઉન્ડમાં પણ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. ફાઈનલમાં પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી.
મેડલ ટેબલ
દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ચીન ૧૯૮ ૧૦૮ ૭૦ ૩૭૬
જાપાન ૪૯ ૬૪ ૬૮ ૧૮૧
સા.કોરિયા ૩૯ ૫૮ ૮૯ ૧૮૬
ભારત ૨૮ ૩૮ ૪૧ ૧૦૭
ઉઝબેકિસ્તાન ૨૧ ૧૮ ૩૦ ૬૯