India win by 67 runs in the first ODI against Sri Lanka
વિરાટ કોહલીની આક્રમક સદી તથા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે મંગળવારે ગૌહાટી ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં શ્રીલંકા સામે 67 રને વિજય મેળવ્યો હતો. . (ANI Photo)

વિરાટ કોહલીની આક્રમક સદી તથા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે મંગળવારે ગૌહાટી ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં શ્રીલંકા સામે 67 રને વિજય મેળવ્યો હતો. આની સાથે ભારતે ત્રણ મેચની વન-ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારીત 50 ઓવરમાં સાત વિકેટે 373 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ 113 રનની ઈનિંગ્સ રમી હતી. 374 રનના લક્ષ્યાંકના જવાબમાં કેપ્ટન દાસુન શનાકાની અણનમ સદીની મદદથી શ્રીલંકાએ લડત આપી હતી પરંતુ વિજય નોંધાવી શક્યું ન હતું. શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 306 રન નોંધાવ્યા હતા. શનાકાએ 108 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત અને શુભન ગિલે પ્રથમ વિકેટ માટે 19.4 ઓવરમાં 143 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલે 60 બોલમાં 11 બાઉન્ડ્રીની મદદથી 70 રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્મા 83 રન નોંધાવીને આઉટ થયો હતો. તેમે 67 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી.

શાનદાર શરૂઆત અપાવ્યા બાદ વિરાટ કોહલીની આક્રમક બેટિંગ જોવા મળી હતી. શ્રેયસ ઐય્યર 24 બોલમાં 28 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. લોકેશ રાહુલે 39 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલે 29 બોલમાં ચાર ચોગ્ગા અને એ સિક્સર ફટકારી હતી. કોહલીએ 87 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 113 રનની ઈનિંગ્સ રમી હતી.

LEAVE A REPLY