Indians will now get visa appointments at US missions abroad

ભારતના લોકો માટે યુએસ વિઝાના વેઇટિંગ પીરિયડમાં ઘટાડો કરવા માટે અમેરિકા સતત પગલાં લઈ રહ્યું છે. અમેરિકાના B1 અને B2 (બિઝનેસ અને પ્રવાસી) વિઝા મેળવવા માંગતા ભારતીયો વિદેશમાં રહેલા અમેરિકાના કેટલાંક દૂતાવાસમાં અરજી કરી શકશે. પ્રથમ વખતના અરજદારો અને ચાર વર્ષ પહેલા વિઝા એક્સ્પાયર થઈ ગયા છે તેવા ઇન્ટરવ્યૂ માફી ન ધરાવતા લોકો અમેરિકાના વિદેશી દૂતાવાસમાં અરજી કરી શકશે.

ભારતના આવા લોકો બેંગકોંક સહિતના વિદેશી દૂતાવાસમાં અરજી કરી શકશે. B1/B2 વિઝા ઇન્ટરવ્યુ માટે બેંગકોકમાં રાહ જોવાનો સમયગાળો માત્ર 14 દિવસનો છે, આની સામે  કોલકાતામાં 589 અને મુંબઈમાં 638 દિવસનો વેઇટિંગ સમયગાળો છે.

દિલ્હી સ્થિત યુએસ મિશને જણાવ્યું હતું કે શું તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલની યોજના ધરાવો છો? જો એમ હોય, તો તમે તમારા ગંતવ્ય સ્થાન પર યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં વિઝા એપોઇન્ટમેન્ટ મેળવી શકશો. ઉદાહરણ તરીકે, બેંગકોકમાં યુએસ એમ્બેસીએ ભારતીયો માટે B1/B2 એપોઈન્ટમેન્ટ સુવિધા ઊભી કરી છે.

અમેરિકાના તાકીદના પ્રવાસની જરૂર હોય તેવા ભારતીયો અમેરિકન વિઝા એપોઇન્ટમેન્ટ લેવા માટે ત્રીજા દેશમાં જઈ રહ્યાં છે. આ દેશોમાં સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે.

અમેરિકાએ ભારતીયોની કેટલીક ડ્રોપ બોક્સ એપ્લિકેશનને ભારત બહારના તેના દૂતાવાસમાં મોકલવાનું શરૂ કર્યું છે.

દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ જાન્યુઆરીમાં ભારત ખાતેના યુએસ મિશને આશરે 1 લાખ વિઝા એપ્લિકેશનનું પ્રોસેસિંગ કર્યું હતું. આ સંખ્યા જુલાઈ 2019 પછીથી માસિક ધોરણે સૌથી વધુ છે. અમે હજુ પણ પગલાં લઈશું. અમારી ટીમમાં વધારો થવાની સાથે અમારી કેપિસિટીમાં વધારો થશે.

લાંબા વેઇટિંગ પીરિયડના ઘણા કારણો છે. કોરોના મહામારીને કારણે વિદેશી દૂતાવાસે તેમના કેટલાંક સ્ટાફને વતન મોકલ્યો હતો. વિદેશ પ્રધાન એસ જયશંકરે ગયા સપ્ટેમ્બરમાં આ મુદ્દો અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન સમક્ષ ઉઠાવ્યો હતો. વિઝા પ્રોસેસિંગમાં વિલંબમાં ઘટાડો કરવા માટે અમેરિકાએ તાજેતરમાં પ્રથમ વખતના અરજદારો માટે સ્પેશ્યલ ઇન્ટરવ્યૂની ગોઠવણ તથા દૂતાવાસમાં સ્ટાફમાં વધારા સહિતના પગલાં લીધા છે.

ભારતીયો માટે યુએસ વિઝા એપોઇન્ટમેન્ટનો વેઇટિંગ પીરિયડ 500 દિવસથી વધુ

ભારતના નાગરિકો માટે ગયા વર્ષના અંત ભાગમાં અમેરિકાના B1/B2 વિઝા માટે વિઝા ઇન્ટરવ્યૂનો વેઇટિંગ પીરિયડ વધી 1,000 દિવસ થયો હતો. આ પછી અમેરિકાએ સંખ્યાબંધ પગલાં લઇને તેમાં ઘટાડો કર્યો છે. કેટલાંક કિસ્સામાં અમેરિકાએ ઇન્ટરવ્યૂ માફી આપવાનું શરૂ કર્યું છે. તેનાથી B1/B2 એપ્લિકેશન માટે ઇન્ટરવ્યૂનો વેઇટિંગ પીરિયડ ઘટીને મુંબઈમાં 638 દિવસ, ચેન્નાઇમાં 617 દિવસ, હૈદરાબાદમાં 609 દિવસ, દિલ્હીમાં 596 દિવસ અને કોલકાતામાં 589 દિવસ થયો છે.

LEAVE A REPLY