યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો મોખરાનું સ્થાન ધરાવે છે. તાજેતરમાં જાહેર થયેલા યુકેના ઈમિગ્રેશન સ્ટેટિસ્ટિક્સ રીપોર્ટમાં આ આંકડા જોવા મળ્યા છે. જે મુજબ ભારતીય વિદ્યાર્થીઓને 2019થી અત્યાર સુધીમાં સ્ટુડન્ટ વિઝા મળવાની સંખ્યા 77 ટકા વધી છે. રીપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2022ના સુધીમાં સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કરવાની સંખ્યામાં 24 ટકાનો વધારો નોંધાયો છે. કુલ 1,27,731 ભારતીય વિદ્યાર્થીઓ-અરજીકર્તાઓને વિઝા મળ્યા છે, જેની સંખ્યા 2019માં 34,261 હતી. આમ, તેની સરખામણીમાં તેમાં 93,470નો વધારો થયો છે. ટકાવારીની દૃષ્ટિએ તેમાં 273 ટકાનો વધારો થયો છે. બીજા ક્રમે ચીનના વિદ્યાર્થીઓ છે જેમને 1,16,476 વિઝા ઈશ્યૂ કરાયા હતા. 2019ની સરખામણીમાં ચીનના વિદ્યાર્થીઓને ઈશ્યૂ કરાયેલા વિઝામાં 2 ટકાનો ઘટાડો થયો છે.
યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ લાખ ઉપર પહોંચી ગઈ છે. યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(એનએસઓ)એ 2021થી જૂન 2022 સુધીના આંકડા જાહેર કરીને આ માહિતી આપી છે. સંસ્થાના રીપોર્ટ અનુસાર આ સમયમાં યુરોપ બહારથી આવનાર લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. આ આંકડાઓ પર વડા પ્રધાન રિશિ સુનકના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. જોકે ઈમિગ્રન્ટ્સની વધતી સમસ્યાને ધ્યાનમાં લઈને સુનક ચોક્કસ અભ્યાસ માટે જ વિદ્યાર્થીઓને આવકારવા વિચારે છે અને કેટલાક નિયંત્રણો મૂકવા વિચારી રહ્યા છે. ફક્ત વિદ્યાર્થી જ નહીં પરંતુ સ્કિલ્ડ વર્કર્સની કેટેગરીમાં પણ યુકેના સૌથી વધુ વિઝા મેળવવામાં ભારતીયો પ્રથમ સ્થાને છે. એક વર્ષમાં ભારતના 56042 સ્કિલ્ડ લોકોને બ્રિટનના વિઝા મળ્યા છે. જ્યારે હેલ્થ એન્ડ કેર ક્ષેત્રે પણ વિઝા મેળવવામાં ભારતીયો મોખરે છે. આ કેટેગરીમાં ઈશ્યૂ કરાયેલા વિઝામાં 36 ટકા હિસ્સો ભારતીયોનો છે.
આ રીપોર્ટ પ્રમાણે એક વર્ષમાં આવેલા પ્રવાસીઓમાં એ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે નાની બોટમાં સમુદ્રના માર્ગે આવ્યા છે. અગાઉ 2015માં યુકેમાં સૌથી વધુ 3,30,000 ઈમિગ્રન્ટ્સ આવવાનો રેકોર્ડ છે. આ આંકડામાં એ પણ જાણવા મળ્યું કે એક વર્ષ દરમિયાન યુકે છોડીને જનારા સૌથી વધુ લોકો યુરોપીયન યુનિયનના છે.

LEAVE A REPLY