અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 20 વર્ષના ભારતીય મૂળના એક વિદ્યાર્થીને તેની ડોર્મિટરીમાં હત્યા થઈ છે અને કોરિયન રૂમમેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, એમ ગુરુવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ઇન્ડિયાનાપોલિસમાં રહેતા વરુણ મનીષ છેડા પરડ્યૂ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને કેમ્પસના મેકકચીઓન હોલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુનિવર્સિટીના બીજા એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી.
બુધવારની સવાલે ન્યૂઝ કોન્ફરન્સમાં પરડ્યૂ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વીટે જણાવ્યું હતું કે જિ મીન જીમી શા નામના જુનિયર સાઇબર સિક્યોરિટીઝમાં અભ્યાસ કરતાં કોરિયાના ઇન્ટરનેશનલ વિદ્યાર્થીએ આ મોત અંગે પોલીસને એલર્ટ કરવા બુધવારે સવારે 12.45 કલાકે 911 પર કોલ કર્યો હતો. જોકે પોલીસે આ કોલની વિગતો જારી કરી નથી.
સત્તાવાળાએ જણાવ્યું હતું કે મેકકેચીઓન હોલના પ્રથમ માળ પરના રૂમમાં આ ઘટના ઘટી હતી. છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રાથમિક ઓટોપ્સી રીપોર્ટ મુજબ છેડાનું મોત મલ્ટીપલ શાર્પ ફોર્સ ટ્રોમેટિક ઇજાથી થયું હતું. મોતનું કારણ હત્યા છે. પોલીસ વડા વિટેએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે આ હુમલો બિનઉશ્કેરણીજનક અને અવિચારી હતો.
છેડાના બાળપણના મિત્ર અરુનાભ સિંહાએ જણાવ્યું હતું કે છેડા મંગળવારની રાત્રે ગેમ રમતો હતો અને ઓનલાઇન મિત્રો સાથે વાતો કરતો હતો ત્યારે તેમણે કોલમાં એકાએક ચીસો સાંભળી હતી.
પોલીસે જણાવ્યું હતું કે છેડાનું મોત પરડ્યૂના કેમ્પસમાં આઠ વર્ષ પછીની પ્રથમ હત્યા છે. યુનિવર્સિટીના પ્રેસિડન્ટ મિચ ડેનિયલ્સે જણાવ્યું હતું કે છેડાનું મોત કરુણ ઘટના છે, જેની અમે અમારા કેમ્પસમાં કલ્પના કરી શકતા નથી.