ક્વાડ સમીટમાં ભાગ લેવા જાપાન ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇન્ડિયન ડાયાસ્પોરા અને જાપાનના નાગરિકોએ સોમવારે ટોકિયોમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું જાપાન આવું છું તો દર વખતે જોવું છું કે તમારા સ્નેહમાં વધારો થાય છે. આપણે 21મી સદીમાં પણ ભારત અને જાપાન સાંસ્કૃતિ સંબંધોને આગળ વધારી રહ્યાં છીએ. હું કાશીનો સાંસદ છું. જ્યારે શિંજા આબે કાશી આવ્યા હતા તો તેમને રુદ્રાક્ષ આપ્યો હતો, આ બાબત આપણને નજીક લાવે છે. તમે આ ઐતિહાસિક બંધનને વધુ મજબૂત બનાવી રહ્યાં છો. આજની દુનિયાને ભગવાન બુદ્ધે બતાવેલા રસ્તા પર ચાલવાની પહેલાંથી વધુ જરૂરિયાત છે. હિંસા, આતંકવાદ કે ક્લાઈમેન્ટ ચેન્જનો સામનો કરવા માટે આ એક જ રસ્તો છે. ભારત સૌભાગ્યશાળી છે કે તેમને ભગવાન બુદ્ધના સાક્ષાત આશીર્વાદ મળ્યા છે. પડકાર ગમે તેટલાં હોય ભારત તેનું સમાધાન શોધે જ છે.
વડાપ્રધાન મોદીએ ટોકિયામા હોટેલની બહાર ઊભેલા બાળકો સાથે વાતચીત કરી હતી. ભારતીય સમુદાયના લોકોએ હર હર મોદી, મોદી મોદી, વંદે માતરમ અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.
ટોકિયામાં હોટેલની બહાર એક બાળક સાથે મોદીની વાતચીતની ખાસ નોંધ લેવાઈ હતી. આ બાળક ભારતીય ધ્વજનું પેઇન્ટિંગ લઇને મોદીની રાહ જોઇ રહ્યો હતો. વડાપ્રધાન હિન્દી ભાષાની જાણકારી માટે તેને પ્રશંસા કરી હતી અને પૂછ્યું હતું કે હિન્દી ક્યાંથી શીખ્યો? મોદી સાથે વાતચીત કરનારા આ ગ્રેડ-5ના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું વધારે હિન્દી બોલી શકતો નથી, પરંતુ હું સમજી શકું છે. પીએમએ મારો સંદેશ વાંચ્યો હતો અને મે તેના ઓટોગ્રાફ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ડાયાસ્પોરાનો અભાર માન્યો હતો અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જાપાનની ઇન્ડિયન કમ્યુનિટીએ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વની પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે. તેઓ ભારતમાં તેમના મૂળિયા સાથે પણ જોડાયેલા રહ્યાં છે. ઉષ્માભર્યા સ્વાગત માટે હું જાપાનમાં ઇન્ડિયન ડાયાસ્પોરાનો આભાર માનું છું.