(ANI Photo)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં પ્રવાસી ટીમને 347 રનથી હરાવી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા તફાવતથી વિજયનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ઈંગ્લેન્ડ સામે ભારતનો પોતાની ધરતી ઉપર ટેસ્ટ મેચમાં આ પહેલો વિજય છે. અગાઉ ભારતે ઈંગ્લેન્ડને તેની ધરતી ઉપર 2006 અને 2014માં હરાવ્યું હતું.

સૌથી મોટા માર્જીનથી વિજયના અગાઉના બે રેકોર્ડ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના નામે છે. શ્રીલંકાએ 1998માં પાકિસ્તાનને 309 રને તથા ન્યૂઝીલેન્ડે 1972માં સાઉથ આફ્રિકાને 188 રને હરાવ્યું હતું.

14 ડીસેમ્બરને ગુરૂવારે શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 104 ઓવરમાં 428 રનનો તોતિંગ સ્કોર ખડકી દીધો હતો. ભારત તરફથી ચાર બેટરે 60થી વધુ રન કર્યા હતા, તો સુકાની હરમનપ્રીતે 49 કર્યા હતા. ફક્ત બે બેટર બે આંકડાથી ઓછામાં આઉટ થઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 35.3 ઓવર્સમાં ફક્ત 136 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ રીતે, ભારતને 292 રનની જંગી લીડ મળી હતી. ભારતે બીજી ઈનિંગ 42 ઓવરમાં 6 વિકેટે 182 રન કરી દાવ ડીકલેર કરી દીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 479 રનના ટાર્ગેટ સામે 27.3 ઓવરમાં ફક્ત 131 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 347 રને રેકોર્ડ વિજય મેળવ્યો હતો.

આ પહેલા ત્રણ વન-ડેની સીરીઝમાં ઈંગ્લેન્ડની ટીમનો 2-1થી વિજય થયો હતો. પહેલી અને બીજી વન-ડે ઈંગ્લેન્ડે જીતી લીધી હતી, એ પછી ભારતીય ટીમે આશ્વાસનરૂપે ત્રીજી વન-ડેમાં વિજય હાંસલ કર્યો હતો.

LEAVE A REPLY