થાઈલેન્ડને 74 રને હરાવીને ગુરુવાર (13 ઓક્ટોબર)એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિક્રમજનક આઠમી વખતએશિયા કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.૧૫ ઓક્ટોબરને શનિવારે ભારતીય ટીમની ટક્કર શ્રીલંકા સામે થશે. શ્રીલંકાએ ૧ રનનથી પાકિસ્તાનને હરાવીને મહિલા એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારતીય મહિલા ટીમ અત્યાર સુધીમાં છ વખત એશિયા કપમાં વિજેતા રહી છે. 2012 પહેલા આ ટૂર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાતી હતી પરંતુ હવે ટી20 ફોર્મેટ પણ રમાડવામાં આવે છે. ભારત ચાર-ચાર વખત બન્ને ફોર્મેટમાં ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. ગુરુવારે ભારત અને થાઈલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચ એકતરફી મુકાબલો બની રહી હતી. ભારતે નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 148 રન કર્યા હતા. જવાબમાં થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 74 રન જ કરી શકી હતી ભારત સામે 74 રને પરાજય થયો હતો. અગાઉ ગ્રુપ મેચમાં પણ ભારતનો થાઈલેન્ડ સામે નવ વિકેટે વિજય થયો હતો.
ભારતની ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ સાત રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રેણુકા સિંઘે છ રન આપીને એક વિકેટ લીધી હતી. થાઈલેન્ડની કેપ્ટન એન ચાઈવાઈ અને નતાયા બૂચાથમે 21-21 રન કર્યા હતા. રાજેશ્વરી ગાયકવાડે બે વિકેટ ઝડપીને હેટ્રિકની આરે પહોંચી હતી પરંતુ તે તેમાં સફળ રહી ન હતી. શેફાલી અને સ્નેહે એક-એક વિકેટ મેળવી હતી.
ભારત ટોસ હારતા પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. પ્લેયર ઓફ ધ મેચ શેફાલીએ 28 બોલમાં 42 રન કર્યા હતા અને એક વિકેટ મેળવી હતી. જેમિમાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. ઈજાને પગલે બે મેચમાં બહાર રહેલી કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 36 રન કર્યા હતા. વસ્ત્રાકરે 17 રનની ઈનિંગ રમતા ભારત 150 રનની નજીક પહોંચ્યું હતું જે થાઈલેન્ડ જેવી નબળી ટીમ સામે રક્ષણાત્મક સ્કોર હતો. થાઈલેન્ડ તરપથી ટિપ્પોચે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી જ્યારે બૂચાથમ, માયા અને પૂથ્થઆવોંગે એક-એક સફળતા અપાવી હતી.