ભારતની પીઢ ફાસ્ટ બોલર – ઓલરાઉન્ડર ઝુલન ગોસ્વામીની લાંબી કારકિર્દીની અંતિમ મેચ એકથી વધુ રીતે યાદગાર બની ગઈ હતી. ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગયા સપ્તાહે શનિવારે ઈંગ્લેન્ડને 16 રને હરાવી ત્રણ વન-ડેની સીરીઝ તો પ્રભાવશાળી રીતે 3-0થી જીતી લીધી હતી, સાથે સાથે ઈંગ્લેન્ડની બેટર ચાર્લી ડીનની છેલ્લી વિકેટ જે રીતે દીપ્તિ શર્માએ રનઆઉટ દ્વારા ખેરવી હતી તેના વિષે ખાસ્સો વિવાદ પણ ચગ્યો હતો, જો કે ડીનને ક્રિકેટના નિયમો અનુસાર યોગ્ય રીતે આઉટ અપાઈ હતી અને ખેલદિલીના નામે ખોટો વિવાદ જગાવવા બદલ કોમેન્ટેટર્સ તેમજ ઈંગ્લેન્ડની મહિલા ખેલાડીઓની પણ આકરી ટીકા થઈ હતી.
ભારતે દીપ્તિ શર્માના અણનમ 68, સ્મૃતિ મંધાનાના 50 સાથે 169 રન કર્યા હતા, તો તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો ત્રીજી અને અંતિમ મેચમાં 16 રને વિજય થયો હતો. આ અગાઉ ભારતીય મહિલા ટીમે 1999માં ઈંગ્લેન્ડની ધરતી ઉપર યજમાન ટીમને વન-ડે સીરીઝમાં હરાવી હતી.