ભારતીય નૌકાદળની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં સૌ પ્રથમ વખત બે મહિલા અધિકારીઓની ઓબ્ઝર્વર (એરબોર્ન ટેક્ટિશન્સ) તરીકે નિમણુક કરવામાં આવી છે. તેનાથી ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજોમાં મહિલાઓ માટેનો માર્ગ મોકળો થશે.
સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રિતી સિંહ ભારતમાં એરબોર્ન ટેક્ટિશન્સની પ્રથમ મહિલાઓ બનશે. આ મહિલા અધિકારીઓ યુદ્ધજહાજના ડેક પર કામગીરી કરશે. અગાઉ ફિકસ્ડ વિન્ગ એરક્રાફ્ટ પૂરતી મહિલાઓના પ્રવેશને સીમિત રાખવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આઇએનએસ ગરુડમાં સોમવારે યોજવામાં આવેલા સમારંભમાં ઓબ્ઝર્વર તરીકે વિન્ગ ઓન ગ્રેજ્યુએટિંગની પદવી આપવામાં આવી હતી. આ પદવી નૌકાધલના 17 અધિકારીઓનો આપવામાં આવી છે, જેમાં ચાર મહિલા અધિકારીઓ છે.
રિયર એડમિરલ એન્ટની જ્યોર્જ (ચીફ સ્ટાફ ઓફિસર-ટ્રેનિંગ)એ જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓનો હેલિકોપ્ટર ઓપરેશનમાં તાલિમ આપવામાં આવી હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે, તેથી આ ઐતિહાસિક પ્રસંગ છે. તેનાથી ભારતીય નૌકાધલમાં ફ્રન્ટલાઇન યુદ્ધજહાજમાં મહિલાની સામેલગીરીનો માર્ગ મોકળો થશે.
દરમિયાન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય હવાઇ દળની મહિલા ફાઇટર પાઇલટ રાફેલ ફાઇટર જેટને ઓપરેટ કરતી ગોલ્ડન એરો સ્કેડ્રોનમાં ટૂંકસમયમાં સામેલ થશે. આ મહિલા પાઇલોટ રાફેલના ઉડ્ડયન માટેની તાલીમ લઈ રહી છે.