અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં 21 માર્ચે 24 વર્ષની એક ભારતીય મહિલાનું કાર એક્સિડન્ટમાં મોત થયું હતું. આ મહિલાનું નામ અર્શિયા જોશી હોવાનું જાણવા મળ્યું હતું. ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે અર્શિયાના મૃતદેહને વહેલામાં વહેલી તકે ભારત પહોંચાડવા માટે તમામ શક્ય સહાયતા કરવામાં આવશે.
અર્શિયા જોશી ઉચ્ચ અભ્યાસ માટે આવી હતી. રવિવારે સવારે ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક ટ્વીટમાં કહ્યું હતું કે યુવા પ્રોફેશનલ અર્શિયા જોશીના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. તેમણે 21 માર્ચે પેન્સિલવેનિયામાં એક દુ:ખદ કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
અમેરિકા સ્થિત ભારતીય મિશને કહ્યું કે તેઓ અર્શિયા જોશીના પરિવાર અને સ્થાનિક સમુદાયના નેતાઓ સાથે સંપર્કમાં છે. એક રિપોર્ટ પ્રમાણે અર્શિયા જોશીએ ગયા વર્ષે જ અમેરિકામાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. અમેરિકા સ્થિત સ્વયંસેવી સંસ્થા AID વિદેશમાં રહેતા લોકોને ઈમરજન્સીની સ્થિતિમાં મદદ કરે છે. આ સંસ્થા અર્શિયા જોશીના પાર્થિવ દેહને ભારત તેમના પરિવારને મોકલવામાં મદદ કરી રહી છે.