બ્રિટનમાં ચાર લોકોના ઇન્ડિયન કોવિડ વેરિયન્ટથી મરણ થતા અને યુકેમાં ઇન્ડિયન વેરિયન્ટ ઝડપથી વિકસતો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સોમવાર તા. 17થી પબ્સ અને રેસ્ટોરંટ્સમાં ઇન્ડોર ડ્રિંક્સ અને ભોજન પિરસવાનું શરૂ કરવામાં ચાલુ રાખવામાં આવશે. પરંતુ જે રીતે ઇન્ડિયન કોવિડ વેરિયન્ટનો ફેલાવો થઇ રહ્યો છે તે જોતાં જૂન માસમાં લોકડાઉન હળવુ કરતાં પહેલા ગંભીર વિચારણા કરવામાં આવશે. ઇન્ડિયન વેરિયન્ટ પ્રતિબંધોને સરળ બનાવવા માટેની યોજનાઓમાં ‘ગંભીર અવરોધ ઉભો કરી શકે છે’ અને જૂન માસમાં અપેક્ષા મુજબ તેમને સમાપ્ત કરવાનું ‘વધુ મુશ્કેલ બનાવે છે’.
બોરીસ જોન્સને તા. 14ની રાત્રે જણાવ્યું હતું કે ‘’સોમવાર તા. 17થી અગાઉ જાહેર કર્યા મુજબ
ઘરની અંદર પારિવારિક સદસ્યોને હળવા મળવા દેવાની છૂટ, રેસ્ટોરંટ અને પબ સહિતના હોસ્પિટાલીટી ક્ષેત્રોમાં અંદર પ્રવેશ અને કુટુંબના સભ્યો માટે આલિંગન સહિતના નિયંત્રણો હળવા કરવાની યોજના આગળ વધશે. કોરોનાવાયરસ રસીનો બીજો ડોઝ 50થી વધુ વયના અને ક્લિનિકલ રીતે નબળા લોકોને વધુ ઝડપથી આપવામાં આવશે. તેમને માટે પ્રથમ અને બીજા રસીકરણ વચ્ચેનું અંતર 12 અઠવાડિયાથી ઘટાડીને આઠ અઠવાડિયાનું કરવામાં આવ્યું છે. માસ ટેસ્ટીંગ કરવા માટે બ્લેકબર્ન અને બોલ્ટનમાં સૈન્ય તૈનાત કરવામાં આવશે અને તે વિસ્તારોમાં સંવેદનશીલ જૂથોના લોકોનું રસીકરણ કરવામાં ઝડપ કરાશે.’’
વડા પ્રધાન બોરિસ જોન્સને જનતાને ચેતવણી આપી છે કે ‘’કોરોનાવાયરસના નવા ભારતીય વેરિયન્ટને કારણે લોકડાઉન સરળ કરવામાં “નોંધપાત્ર વિક્ષેપ” થઈ શકે છે અને જો આ ભારતીય વેરિઅન્ટ નોંધપાત્ર રીતે વધુ ટ્રાન્સમિસિબલ હોય તો આપણે સખત પસંદગીઓનો સામનો કરવો પડશે. હું વેરિયન્ટ દ્વારા ઉભી થયેલી ધમકીઓ અંગે લોકોની સાથે ‘લેવલ અપ’ કરવા માંગુ છું. વેરિયન્ટના કારણે આગામી 21 જૂન સુધીમાં પ્રતિબંધો ખતમ કરવાની યોજનાઓમાં વિલંબ થઈ શકે છે અને ચોથા ચરણમાં જવાનું વધુ મુશ્કેલ બનાવશે.’’
જોન્સને જણાવ્યું હતું કે ‘’અમે સોમવારથી ઇંગ્લેન્ડમાં ત્રીજા ચરણની અમારી યોજના સાથે આગળ વધશું, પરંતુ આ નવા વેરિએન્ટથી વધુ જોખમ છે અને તે ગંભીર અવરોધ લાવી શકે છે. હવે ખૂબ સ્પષ્ટ છે કે આપણે વાયરસના આ નવા પ્રકાર સાથે થોડા સમય માટે જીવવાનું છે તેથી હું દરેકને ખૂબ સાવચેતી રાખવાની વિનંતી કરું છું કારણ કે આવતા દિવસોમાં આપણે જે પસંદ કરીશું તેની ભવિષ્યમાં અસર પડશે. આ વેરિએન્ટને દબાવવા આપણે બધું કરી શકીશું. તમે સગાં-સંબંધીઓને જ્યારે જુઓ, ખાસ કરીને જો તેમની પાસે રસીના બંને ડોઝ ન હોય ત્યારે સાવચેત રહેવું પડશે અને કાળજી રાખવી પડશે. આ નવો વેરિયન્ટ વધારે પ્રસર્યો છે તે વિસ્તારોમાં જતા પહેલા ‘બે વાર વિચાર કરજો’ અને તે વિસ્તારોમાં કુટુંબ અને મિત્રો સાથે રહેવા જતાં પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરજો.’’
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે શુક્રવારે સવારે જાહેર કર્યું કે તા. 5 થી 12 મેની વચ્ચે કુલ 97 લોકોના મૃત્યુ થયા હતા. જે પૈકી 4 મરણ ઇન્ડિયન વેરિયન્ટના કારણે થયા હતા.
ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યું હતું કે ‘’સેજ ગ્રૂપના વૈજ્ઞાનિક સલાહકારોએ તારણ કાઢ્યું છે કે યુકેમાં હાલમાં પ્રભાવશાળી સ્ટ્રેઇન, કેન્ટ વેરિયન્ટ કરતા ભારતીય વેરિયન્ટ વધુ પ્રસાર શકે છે. જો કે નવો વેરિયન્ટ કોરોનાવાયરસની વેક્સીન સામે લડી શકે છે તેવા કોઈ પુરાવા હજૂ સુધી મળ્યા નથી. પણ સમય જતાં આ વેરિયન્ટ યુકેમાં પ્રબળ બને તેવી અપેક્ષા છે.’’
એપિડેમિઓલોજિસ્ટ પ્રોફેસર પોલ હન્ટરે કહ્યું હતું કે ‘’ભારતીય વેરિયન્ટ દેશભરમાં કેવી રીતે પ્રસરે છે તે જોવા માટે બેચેન થઇ પ્રતીક્ષા કરે છે. જો લોકો ગંભીર બીમારીથી હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં દાખલ થશે તો જૂન માસમાં લોકડાઉન સમાપ્ત કરતા પહેલા વિચારવામાં આવશે.’’
મંત્રીઓએ કોવિડ-19ના ઇન્ડિયન વેરિયન્ટના પ્રસારને ધીમો કરવાની યોજનાને મંજૂરી આપી હતી.
દરમિયાન, સેજે સૂચવ્યું હતું કે ઇંગ્લેન્ડ માટે વાયરસનો ‘આર’ રેટ થોડો વધીને 0.8 અને 1.1 ની વચ્ચે થઇ ગયો છે, જે ગયા અઠવાડિયે શક્ય 1.0 ની ઉંચી સપાટીએ હતો. જો ‘આર’ રેટ એક કરતા વધારે હોય તો તેનો અર્થ એ થશે કે રોગચાળો ફાટી નીકળ્યો છે. યુકેમાં શુક્રવારે બીજા 2,183 દૈનિક કોવિડ કેસોની ઘોષણા કરવામાં આવી હતી, જે ગયા અઠવાડિયા કરતાં 12 ટકા ઓછા હતા. જ્યારે અન્ય 17 મૃત્યુ નોંધાયા હતા, જે ગયા શુક્રવારે 15 જ હતા.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે B.1.617.2 ઇન્ડિયન સ્ટ્રેઇનના કેસો સમગ્ર યુકેમાં પાછલા અઠવાડિયામાં બમણાથી વધુ થયા છે, લંડનમાં 30% કરતાં વધુ કેસો ભારતીય વેરિયન્ટના કારણે થયા છે. રાજધાની લંડન અને નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં આ સ્ટ્રેઇનના 400 કેસ એટલે કે અડધાથી વધુ છે. મતલબ કે 12 મે સુધીમાં નોંધાયેલા 1,300 કેસોમાં 31.5 ટકા પાછળ ભારતીય વેરિયન્ટનો ભાગ હતો. તેમાંથી ફક્ત 26 ટકા અથવા ફક્ત 100 ચેપ આંતરરાષ્ટ્રીય મુસાફરી સાથે જોડાયેલા હતા, જે સૂચવે છે કે તે સમુદાયમાં વ્યાપકપણે ફેલાય છે. હાલના કુલ કેસમાંથી ફક્ત 13 જ કેસોમાં ફરીથી ચેપ લાગ્યો હતો જે પ્રમાણ ફક્ત એક ટકો હોવાનું માનવામાં આવતું હતું.
સેજના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે એવી ‘વાસ્તવિક શક્યતા’ છે કે ઇન્ડિયન વેરિયન્ટ, કેન્ટ વેરિયન્ટ કરતાં ઘણો વધુ ટ્રાન્સમિસિબલ છે અને ઉનાળા સુધીમાં એક દિવસમાં એક હજાર મોત નિપજાવી શકે છે. સેજ માટેનું મોડેલિંગ એ નિષ્કર્ષ પર આવ્યું છે કે ભારતીય વેરિયન્ટ કેન્ટ સ્ટ્રેઇન કરતાં 30 ટકા કરતા વધુ ટ્રાન્સમિસિબલ છે.
SPI-M પેટા જૂથે કહ્યું કે ‘’મ્યુટન્ટ B.1.617.2 વેરિયન્ટ હાલના પ્રભાવશાળી વેરિયન્ટ કરતાં વધુ ચેપી છે અને તે 50 ટકા વધુ સરળતાથી ફેલાય છે. એવી ચેતવણી આપવામાં આવી છે કે હાલની ઇંગ્લેન્ડની યોજના મુજબ જો 21 જૂનના રોજ તમામ લોકડાઉન પ્રતિબંધોને હળવા કરવા દબાણ કરાશે તો ઓટમ સુધીમાં દરરોજ 10,000થી વધુ લોકોને આ રોગ સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. અને ખરાબ સંજોગોમાં આ આંકડો રોજના 20,000 દર્દીનો બની શકે છે.’’
ઇન્ડિયન વેરિયન્ટ હજી પણ દેશભરમાં લઘુમતી કેસો બનાવે છે – જેનું પ્રમાણ લગભગ 10 ટકા છે – પરંતુ તે ઝડપથી અને ખાસ કરીને બોલ્ટન, બ્લેકબર્ન, બેડફર્ડ અને સેફ્ટન જેવા હોટસ્પોટ્સમાં વધી રહ્યો છે, જ્યાં તેમાંથી અડધાથી વધુ પોઝીટીવ ટેસ્ટમાં ઇન્ડિયન વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. બોલ્ટન અને ફોર્મ્બી સહિતના 15 શહેરોમાં મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ ચાલુ થઇ ગયું છે અને કિશોરવયના લોકોને પણ રસી આપવાનું નક્કી કરાયું છે. બ્લેકબર્ન અને બોલ્ટનમાં રહેતા લોકોને અઠવાડિયામાં બે વાર મફત ટેસ્ટ આપવામાં આવશે.
ભારત રેડ લિસ્ટમાં મૂકવામાં ખૂબ ધીમો નિર્ણય લીધો હોવાને કારણે બોરિસ જોન્સનને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર વહેલા પ્રતિબંધ અને રેડ લિસ્ટમાં મૂકવામાં મળેવી નિષ્ફળતા અંગે જોન્સને કહ્યું હતું કે ‘ભારતના વાયરસને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે ઓળખવામાં આવ્યો ન હતો, જે આ નિર્ણયનું કારણ હતું.’
વેક્સીન મિનીસ્ટર નધિમ ઝાહાવીએ ચેતવણી આપી હતી કે ‘’જો ભારતીય વેરિયન્ટના ફેલાવાને કારણે ચેપના દરમાં વધારો થશે તો આવતા મહિને અંતિમ લોકડાઉન પ્રતિબંધો હળવી થશે નહિં. ચેપના દર અને વિવિધ વેરિયન્ટના ફેલાવા સહિતના ચાર ટેસ્ટમાં પાસ નહિં થવાય તો તે “સમસ્યા” ઉભી કરશે. 21મી જૂને બીજા પ્રતિબંધો હટાવવામાં વિલંબ થવાની સંભાવના છે. દરેક વ્યક્તિ અઠવાડિયામાં બે ટેસ્ટ કરે, જરૂર પડે તો PCR ટેસ્ટ કરે અને આઇસોલેટ થાય. આપણે આ ચેપનું ચક્ર તોડવું પડશે. ઉચ્ચ ચેપવાળા વિસ્તારોમાં રહેતા વૃદ્ધ લોકોને ઇન્ટર-જનરેશનલ સ્પ્રેડને રોકવા માટે બીજી માત્રા પણ આપવામાં આવે છે.’’
બોલ્ટન કાઉન્સિલના કન્ઝર્વેટિવ નેતા ડેવિડ ગ્રીનહાગે જણાવ્યું હતું કે ‘’શહેરમાં ઝડપથી રસીકરણ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે અને સંબંધિત સ્થાનિક અને આરોગ્ય અધિકારીઓ તથા સરકાર સાથે બેઠક કરી હતી. અમારે ત્યાં મોટા ભાગના કેસો કિશોરો અને 20થી 30ની વયના છે.’’
વેલ્સ સરકારે નાના કાર્યક્રમોને મંજૂરી આપવાની યોજનાઓ અને લોકોને હળવા મળવા દેવાનું થોભાવ્યું છે. પણ સરકાર સાવચેતીનો અભિગમ અપનાવી રહી છે.
નિકોલા સ્ટર્જેને સ્કોટલેન્ડના લોકડાઉનને ધીમું બનાવતા ગ્લાસગો અને મોરેને સોમવારે કોરોનાવાયરસ પ્રતિબંધની સિસ્ટમના લેવલ 3 પર જાળવી રાખ્યું હતું. જ્યારે બાકીના વિસ્તારોને લેવલ 2 લાવ્યા હતા.
હજી પણ આશાનું કિરણ એ છે કે સંશોધન સૂચવે છે કે રસીઓ હજુ પણ ઇન્ડિયન વેરિયન્ટ સામે કામ કરે તેવી સંભાવના છે, અને તે વધુ જીવલેણ બને છે તેવા કોઈ ચિહ્નો નથી. પરંતુ ઝડપી ટ્રાન્સમિશનથી એ ખતરો રહેશે કે વધુ લોકોને ચેપ લાગશે અને ‘રસીની નિષ્ફળતા’ માટે વધુ તકો સર્જાશે. લોકોએ રસી લીધી હશે તો પણ બીમાર થવાની શક્યતાઓ છે. જો કે આવું 5થી 15 ટકા કેસોમાં જ બની શકે તેમ છે.
ફાઇઝરના સંશોધનમાં જણાયું હતું કે ત્રણ અઠવાડિયા પછી રસીનો બીજો ડોઝ લેનાર લોકોની સરખામણીએ 12 અઠવાડિયા પછી બીજો ડોઝ લેનાર 80 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એન્ટિબોડી પ્રતિસાદ ત્રણ ગણો વધારે હતો. બીએમજેમાં પ્રકાશિત યુ.એસ.ના રીસર્ચર્સના એક અલગ મોડેલિંગ અભ્યાસનો અંદાજ છે કે રસીના બીજા ડોઝમાં વિલંબ કરવાથી કોવિડથી થતાં મૃત્યુમાં 20 ટકાનો ઘટાડો થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકા રસીની અસરકારકતા પણ લાંબા ગાળા પછી સારી દેખાય છે.