કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરને કુલ 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ(આઇએટીઓ) અને એસોચેમના જણાવ્યા અનુસાર એક મહિના સુધી વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાના કારણે ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરના અનેક કર્મચારીઓની નોકરી પણ જશે.
આ ત્રણેય સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓએ કર્મચારીઓએ નવી ભરતી કરવાનું પણ બંધ કરી દીધું છે. જો કે આ સેક્ટરની કંપનીઓ સરકાર સમક્ષ આ નિર્ણય અંગે ફરીથી વિચારણા કરવાની રજૂઆત કરે તેવી શક્યતા છે.
આઇએટીઓના સચિવ રાજેશ મુદગીલના જણાવ્યા અનુસાર એક મહિના સુધી વિદેશ પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડશે અને હોટેલ, એવિએશન અને ટ્રાવેલ સેક્ટરમાં અનેક કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવશે. અમારા અંદાજ મુજબ કુલ મળીને આ નિર્ણયને કારણે 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
એસોચેમ ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી કાઉન્સિલના ચેરમેન સુભાષ ગોયલે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અગાઉથી જ આ ત્રણેય સેક્ટર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું હતું.
ફેડેરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એફએચઆરએઆઇ)ના ઉપપ્રમુખ ગુરબાકસિંહ કોહલીએ જણાવ્યું હતું કે નવેમ્બરમા જ્યારે કોરોના વાઇરસના સમાચાર આવ્યા ત્યારથી જ હોટેલના રૂમ કેન્સલ થવાનું શરૂ થઇ ગયું હતું.