વેસ્ટ ઈન્ડિઝમા અંડર 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના ખેલાડીઓનું ભારતમાં આગમન થયા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે. કેપ્ટન યશ ધૂલના નેતૃત્વમાં ભારતની ટીમે ઈંગ્લેન્ડ સામે ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતની ક્રિકેટ ટીમ પણ હાલમાં અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમી રહી છે. એક અંદાજ મુજબ રવિવારે યુવા ટીમ ભારત પરત ફરી શકે છે. ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ તેમનું અમદાવાદમાં સન્માન કરાશે. જો કે બાયો બબલ અસ્તિત્વમાં હોવાથી રોહિત શર્માની ટીમ સાથે યુવા ખેલાડીઓને મુલાકાત કરવાની તક મળશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ભારતીય ક્રિકેટ બોર્ડે અંડર 19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ પર ધનની વર્ષા કરી છે. બોર્ડે રવિવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાંચમી વખત અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના દરેક ખેલાડીને રૂ. 40 લાખ તેમજ સપોર્ટ સ્ટાફને રૂ. 25 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારતના યુવા ખેલાડીઓએ તમામ મોરચે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને રેકોર્ડ પાંચમી વખત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. કોરોનાથી પ્રભાવિત થયેલી ટીમે ઝડપથી કમબેક કર્યું હતું અને મેદાનમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અંડર 19 ટીમના હેડ કોચ ઋષિકેશ કાનિટકર અને તેમના સ્ટાફના પ્રયાસોને પણ હું બિરાદવું છું.
બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, અંડર 19 વિશ્વ કપમાં ભારત સૌથી સફળ ટીમ રહી છે. અંડર 19 ટીમે પાંચમી વખત વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું છે તે મજબૂત વ્યવસ્થા અને માળખાનો બોલતો પુરાવો છે. બોર્ડ વય જૂથ ક્રિકેટને ખૂબજ ગંભીરતાથી જુએ છે અને કોરોના વચ્ચે પણ ટીમની માંગ મુજબ ખેલાડીઓનો પ્રવાહ ચાલુ રહે તેવો અમારો પ્રયાસ રહેશે.