કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝનશિપ પ્રધાન સીન ફ્રેઝરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે વિદેશી વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન સંબંધિત ઠગાઇમાં સામેલ જણાયા નથી તેમને દેશનિકાલ કરવામાં આવશે નહીં. આવા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે કેનેડા આવ્યા છે અને તેમને ઠગાઇના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થયો હોવાની જાણ નથી તેમને ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ ઇસ્યુ કરવાની તેમણે સૂચના આપી હોવાનું ફ્રેઝરે જણાવ્યું હતું.

સીન ફ્રેઝરે એક અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇમિગ્રેશન રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ મને વિવેકાધીન સત્તા આપે છે, જેથી હું માનું છું કે વર્તમાન સંદર્ભમાં તે મુજબની કાર્યવાહી થવી જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “એ બાબત સુનિશ્ચિત કરશે કે આ સારો ઇરાદો ધરાવતા વિદ્યાર્થીઓ અને સ્નાતકો કેનેડામાં રહી શકે છે, અને એ વાતની ખાતરી કરવામાં આવશે કે તેઓ કેનેડામાં ફરીથી પ્રવેશવાના પાંચ વર્ષના પ્રતિબંધને આધિન તો નથી ને, જેની સામે સામાન્ય રીતે ખોટી માહિતી રજૂઆત કરવાના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે પ્રાથમિક ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે.”

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના એક વર્ગને કથિત રીતે છેતરપિંડીયુક્ત એડમિશન લેટર્સ રજૂ કરવા બદલ દેશનિકાલની ધમકી આપવામાં આવ્યા પછી કેનેડાના પ્રધાને આ નિવેદન આપ્યું હતું. મીડિયામાં જણાવેલ 700ની સંખ્યા કરતાં હકીકતમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. કેનેડામાં દેશનિકાલનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતાનો મુદ્દો ભારત ઉઠાવતું રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, છેતરપિંડીની પ્રવૃત્તિ કરી રહેલા લોકોને ઓળખવા માટે કેનેડા સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે અરજદારોને વિનંતી કરી છે કે, તેઓ સ્ટુડન્ટ વિઝા અરજી કરતા પહેલા યોગ્ય તપાસ કરે અને અધિકૃત વેબસાઇટની મુલાકાત લે.
તેમણે જણાવ્યું હતું કે, “વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડામાં આપેલા મોટા યોગદાનને અમે જાણીએ છીએ અને અમે દેશમાં પ્રામાણિક અને પારદર્શક વ્યવસ્થા આપવા માટે કટિબદ્ધ છીએ.”
તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “વિદેશી વિદ્યાર્થીઓને ખોટા એડમિશન લેટરનો સામનો કરવો પડે છે. તમારી સાનુકૂળતાને અમે પ્રાથમિકતા આપીએ છે અને અમે આ મુદ્દાના નિરાકરણ માટે પગલાં લઈ રહ્યા છીએ.”

LEAVE A REPLY