UK હોમ ઑફિસ દ્વારા એકત્રિત કરાયેલ ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના ડેટા મુજબ છેલ્લા એક વર્ષમાં યુકે દ્વારા આપવામાં આવેલા સ્કીલ્ડ વર્કર અને સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં ભારતીય નાગરિકો ટોચ પર છે.
નવા ગ્રેજ્યુએટ પોસ્ટ-સ્ટડી વર્ક રૂટ હેઠળ આવેલા વિદ્યાર્થીઓમાં 41 ટકા ભારતીયો હતા. જ્યારે ‘વર્કર’ કેટેગરીમાં ભારતીયો 33 ટકા પ્રતિનિધિત્વ ધરાવતા હતા. માર્ચ 2023ના અંતે પૂરા થયેલા વર્ષમાં કુલ 92,951 ગ્રેજ્યુએટ રૂટ એક્સ્ટેંશન આપવામાં આવ્યા હતા. જેમાં ભારતીયો સૌથી વધુ 41 ટકા હતા. ભારતીયોને આપવામાં આવતા સ્કીલ્ડ વર્કર વિઝામાં 63 ટકાનો વધારો થયો છે. જે 2021-22માં 13,390 હતા તેનાથી વધીને 2022-23માં 21,837 થઈ ગયા છે. હેલ્થકેર વિઝા કેટેગરીમાં ભારતીયોએ 14,485 થી વધીને 29,726 સુધીનો 105 ટકાનો વધારો નોંધાવ્યો હતો. માર્ચ 2023માં પૂરા થયેલા વર્ષમાં ભારતીય નાગરિકોને 138,532 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા અપાયા હતા.’’
આ ડેટા પર પ્રતિક્રિયા આપતા, વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે “ઓવરઑલ નેટ ઇમીગ્રેશનની સંખ્યા ખૂબ વધારે છે અને હું તેમને નીચે લાવવા માંગુ છું. વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમોને કડક બનાવવાના પગલાં આ અઠવાડિયે મૂકાયા છે તે “નોંધપાત્ર” હતા અને સમય જતાં સ્તર નીચે લાવશે.’’
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પરની ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના સહ-અધ્યક્ષ લોર્ડ કરણ બિલિમોરિયાએ કહ્યું હતું કે ‘’એકંદર નેટ માઇગ્રેશનમાં વિદેશી વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો એ પોતે જ એક ખામીયુક્ત અભિગમ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસ્થાયી સ્થળાંતર તરીકે વર્તે છે. આપણે તેમનો સમાવેશ કરીને ઇમિગ્રેશનનો ભય પેદા કરી રહ્યા છીએ. “