અમેરિકાના ઓહાયો રાજ્યોમાં કારની અંદર ગોળી મારીને ભારતને 26 વર્ષના મેડિકલ વિદ્યાર્થીની કરપીણ હત્યા કરાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની વિન્ડોમાં ત્રણ બુલેટના ત્રણ નિશાન મળ્યાં હતા. હત્યાનું કારણ હજુ બહાર આવ્યું નથી.
મેડિકલ યુનિવર્સિટીએ ઘટનાને અણધારી, દુ:ખદ અને અવિચારી ગણાવી હતી. આદિત્ય અદલખા યુનિવર્સિટી ઓફ સિનસિનાટી મેડિકલ સ્કૂલમાં મોલેક્યુલર અને ડેવલપમેન્ટલ બાયોલોજી પ્રોગ્રામમાં ચોથા વર્ષનો ડોક્ટરલ વિદ્યાર્થી હતો. હેમિલ્ટન કાઉન્ટી કોરોનર્સ ઓફિસના જણાવ્યા અનુસાર અદલખાનું આ મહિનાની શરૂઆતમાં UC મેડિકલ સેન્ટરમાં અવસાન થયું હતું.
9 નવેમ્બરે સિનસિનાટી પોલીસ લેફ્ટનન્ટ જોનાથન કનિંગહામે જણાવ્યું હતું કે અધિકારીઓને ગોળી મારેલી હાલતમાં એક વ્યક્તિ કારમાં મળી આવ્યો હતો. કાર વેસ્ટર્ન હિલ્સ વાયડક્ટના ઉપરના ડેક પર દિવાલ સાથે અથડાઈ હતી.
અદલખાને UC મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હતી અને બે દિવસ પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજુ કોઇ ધરપકડ કરાઈ નથી.
અદલખા ઉત્તર ભારતમાંથી સિનસિનાટીમાં તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે આવ્યો હતો. તેને નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી 2018માં પ્રાણીશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 2020માં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીમાં પણ ફિઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.