કેનેડાના વેનકુવરમાં ભારતના એક 24 વર્ષીય વિદ્યાર્થીની કારની અંદર ગોળી મારીને હત્યા કરાઈ હતી. પાડોશીઓએ ગોળીબારના અવાજ સાંભળ્યાની જાણ કર્યા બાદ 24 વર્ષીય ચિરાગ અંતિલ આ વિસ્તારમાં એક વાહનની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો, એમ વાનકુવર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.
12 એપ્રિલે વેનકુવરની પોલીસને ઘટનાની જાણકારી મળી કે ઈસ્ટ 55 એવન્યુ અને મેઈન સ્ટ્રીટની આસપાસ રાતે 11 વાગ્યે ગોળીબાર થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેને ચિરાગ અંતિલનો મૃતદેહ મળ્યો હતો. ચિરાગ આ એરિયામાં ઉભેલી એક કારમાં હતો ત્યારે તેને ગોળી વાગી હતી. આ ઘટનામાં હજુ કોઈની ધરપકડ કરાઈ નથી.
ચિરાગ અંતિલ હરિયાણાના સોનીપતનો રહેવાસી હતો. ચિરાગ બ્રિટિશ કોલંબિયામાં યુનિવર્સિટી કેનેડા વેસ્ટ (UCW) ખાતે ઉચ્ચ અભ્યાસ કરવા માટે 2022માં વાનકુવર ગયો હતો. એમબીએ કર્યા પછી વર્ક પરમિટ મળતાં તેને કેનેડાની એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું.
ચિરાગ અંતિલના ભાઈ રોનિતે પત્રકારોને જણાવ્યું કે સવારે તેઓ ફોન પર વાત કરતા ત્યારે ચિરાગ ખુશ જણાતો હતો. બાદમાં ચિરાગે ક્યાંક જવા માટે તેની ઓડી બહાર કાઢી હતી. તે સમયે જ તેની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ચિરાગ અંતિલનો પરિવાર તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ GoFundMe દ્વારા નાણાં એકત્ર કરી રહ્યો છે.