2021માં દેશની સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા યુકે યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં ભારતમાંથી 3,200 વિદ્યાર્થીઓની રેકોર્ડ સંખ્યામાં અરજીઓ સ્વીકારવામાં આવી છે. પાછલા વર્ષની તુલનામાં તેમાં 19 ટકાનો વધારો થયો છે એમ મંગળવારે બહાર પડેલા યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસ(UCAS)ના આંકડામાં બહાર આવ્યું છે.
ભારતને એમ્બર લીસ્ટમાં ખસેડવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ હવે મોટા પ્રમાણમાં તેમના અભ્યાસક્રમો માટે બ્રિટનની મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓ ફરજીયાત હોટેલને બદલે પસંદ કરેલા સ્થળે 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન થઇ શકશે.
140થી વધુ યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતા યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલના ડિરેક્ટર વિવિએન સ્ટર્ને જણાવ્યું હતું કે “ભારતને રેડ લીસ્ટમાંથી એંબર લીસ્ટમાં ખસેડવું તે ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અને આવકારદાયક પગલું હશે. વિદ્યાર્થીઓએ તેમની યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહી નવીનતમ પ્રક્રિયાથી વાકેફ રહેવું જોઈએ. યુકેની યુનિવર્સિટીઓ આ ઑટમમાં ભારતીય વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે અને અમારા કેમ્પસ અને યુનિવર્સિટી સમુદાયોમાં તેમનું સ્વાગત કરવા આતુર છીએ.’’
લેસ્ટર યુનિવર્સિટીના ચીફ માર્કેટિંગ એન્ડ એન્ગેજમેન્ટ ઓફિસર કેરી લોએ પણ ભારતને અંબર લીસ્ટમાં ખસેડવાના સમાચારનું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ઉત્તમ અનુભવ આપવા સ્વાગત સમયમાં સપ્તાહનો વધારે કરી તમામ નવા સ્ટાર્ટર્સ માટે ઓનલાઈન ટ્રાન્ઝિશન સપોર્ટ વિકસાવ્યો હતો.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલાએ ભારતીય વિદ્યાર્થીઓને સહાય કરવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ભારત દ્વારા બનાવાયેલ ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા વેક્સીન કોવિશિલ્ડને યુકે દ્વારા મંજૂર કરાઇ ન હોવાથી તે રસી મેળવનાર સૌએ ક્વોરેન્ટાઇન થવું પડે છે.
યુકેનો નવો પોસ્ટ-સ્ટડી અથવા ગ્રેજ્યુએટ રૂટ વિઝા જુલાઈથી અમલમાં આવ્યો છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને કામનો અનુભવ મેળવવા ડિગ્રી કોર્સ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી રહેવાની તક અપાય છે.