ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેર કરેલી ટીમમાં ખેલાડીઓની દ્રષ્ટિએ કોઈ ફેરફાર જોવા મળ્યો ન નથી, પરંતુ K L રાહુલના હોદ્દાના સંદર્ભમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલો કર્ણાટકના બેટરના નામની આગળ ‘વાઈસ-કેપ્ટન’ ટેગ નથી. આ નિર્ણયથી ચાહકો માથું ખંજવાળતા રહી ગયા છે અને આશ્ચર્ય પામી રહ્યા છે કે શું ઓપનિંગ બેટરે તેની પોસ્ટ ગુમાવી દીધી છે.
છેલ્લી સાત ઇનિંગ્સમાં રાહુલનો સ્કોરનો અનુક્રમે 22, 23, 10, 2, 20, 17 અને 1 રહ્યો છે, તે ભારતીય ટીમમાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે. રાહુલને હજુ સુધી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી, પરંતુ બોર્ડે તેને વાઈસ-કેપ્ટનના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હોવાનું જણાય છે. એક અહેવાલ મુજબ, BCCIએ કેપ્ટન રોહિત શર્માને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં તેના ડેપ્યુટીની નિમણૂક કરવાની સત્તા આપી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ બંને ટીમો વચ્ચે 17મી માર્ચથી વન-ડે શ્રેણી શરૂ થશે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું કે રોહિત પારિવારિક કારણોસર સીરિઝની પ્રથમ મેચ રમી શકશે નહીં. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.
બોલર જયદેવ ઉનડકટને 10 વર્ષ બાદ ફરી ટીમમાં જગ્યા મળી શકે છે. તેને 10 વર્ષ બાદ આ ફોર્મેટમાં રમવાની તક મળી શકે છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઉનડકટે ભારત માટે 7 વન-ડે રમી છે, જેમાં તેને 8 વિકેટ ઝડપી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. એશિયા કપમાં જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર રહેલો અય્યરનો પણ ટીમમાં સમાવેશ કાયો છે.
17 માર્ચે મુંબઈમાં વન-ડે શ્રેણીની પ્રથમ મેચ બાદ બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ભારતની ટેસ્ટ ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.
ભારતની વન-ડે ટીમ
હિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, KL રાહુલ, ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.