અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આયોજિત નાગરિકતા એનાયત કરવાના અનોખા કાર્યક્રમમાં ભારતની સોફ્ટવેર એન્જિનીયર સહિત પાંચ ઇમિગ્રન્ટ્સને અમેરિકન નાગરિકત્વના શપથ લેવડાવ્યા હતા. આ નિમિત્તે ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ ઇમિગ્રન્ટ્સનું ‘શાનદાર દેશ’માં સ્વાગત છે, અહીં તમામ વંશ, ધર્મ અને રંગના લોકો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ સમારંભનું આયોજન કર્યું હતું અને તેનો વીડિયો મંગળવારે રીપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં દર્શાવવામાં આવ્યો હતો.
ભારત, બોલિવિયા, લેબેનન, સુદાન અને ઘાનાના ઇમિગ્રન્ટ્સ વ્હાઇટ હાઉસમાં આ સમારંભમાં એક સાથે ઊભા રહ્યા હતા. જમણો હાથ ઉઠાવીને અને ડાબા હાથમાં અમેરિકન ધ્વજ લઇને તેમને અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટીના કાર્યવાહક સેક્રેટરી ચાડ વૂલ્ફે નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. ભારતના સોફ્ટવેર ડેવલપર સુધા સુંદરી નારાયણે પણ નાગરિકતાના શપથ લીધા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘અમારા મહાન અમેરિકન પરિવારમાં પાંચ ખૂબ જ અતુલ્ય સભ્યોનું સ્વાગત કરતા અમેરિકા આજે ખુશ થયું છે.
આપ ધરતીના મહાન રાષ્ટ્રના સાથી નાગરિક છો.’ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, શપથ લેનારા નવા અમેરિકન નાગરિકોએ નિયમો અને કાયદાનું પાલન કર્યું, દેશનો ઇતિહાસ જાણ્યો, અમેરિકન મૂલ્યોને સ્વીકાર્યા અને પોતાને ઉચ્ચત્તમ અખંડતાના મહિલા અને પુરુષ સાબિત કર્યા છે, જે સરળ નથી. તમે ઘણા પરિબળોમાંથી પસાર થયા છો. તમે વિશ્વની સૌથી કિંમતી સંપત્તિ મેળવી છે.
અમેરિકન નાગરિકત્વથી મોટું કોઇ સન્માન કે વિશેષાધિકાર નથી. પ્રેસિડેન્ટ ટ્રમ્પે પાંચેય નવા નાગરિકોના નામ અને તેમના વિશેની થોડી માહિતી વાંચી હતા. તેમણે ભારતની સુધા અંગે જણાવ્યું હતું કે, તેનો જન્મ ભારતમાં થયો છે. તે અભૂતપૂર્વ સફળ વ્યક્તિ છે, 13 વર્ષ પહેલા અમેરિકા આવી હતી. સુધા પ્રતિભાશાળી સોફ્ટવેર ડેવલપર છે. તે અને તેના પતિ તેમના બે સુંદર બાળકોનો ઉછેર કરી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. ગુલાબી રંગની સાડીમાં સજ્જ સુધાને ટ્રમ્પે તેમની નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપ્યું હતું.