બ્લેક લાઇવ મેટર્સ વિરોધ પ્રદર્શન દરમિયાન ન્યૂયોર્ક સિટીના ઇસ્ટ વિલેજમાં આવેલી ભારતીયોની રેસ્ટોરંટ્સને નિશાન બનાવાઇ હતી. રેસ્ટોરંટ્સને વધુ નુકશાન પહોંચાડવામાં આવ્યુ નથી અને રોકડ રકમની ચોરી જ કરાઇ છે. પરંતુ સાગમટે 4-5 રેસ્ટોરંટ્સને એક સાથે નિશાન બનાવવામાં આવતા રેસ્ટોરંટ્સ માલીકો ફફડી ઉઠ્યા છે.
તા. 1 જૂનની સવારે ન્યૂયોર્ક સિટીના ઇસ્ટ વિલેજમાં આવેલી દેશી ગલ્લી રેસ્ટોરન્ટના દરવાજાની વિંડોપેનને ક્રોબાર વડે તોડી નાંખીને તોફાનીઓએ રેસ્ટોરંટમાં તોડફોડ કરી હતી અને ટીલમાંથી નાંણાં ચોરી ગયા હતી. જો કે રેસ્ટૉરન્ટના બાકીના ભાગને કોઇ નુકશાન પહોંચાડવામાં આવ્યું ન હતું. રેસ્ટોરંટના માલીક પ્રિયાવંદા ચૌહાણે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’અમારી રેસ્ટોરંટને તોડફોડ અને ચોરી કરવાથી લગભગ હજાર ડોલરનુ નુકશાન થયુ હતું અને અડધો દિવસ રેસ્ટોરંટ બંધ રાખવી પડી હતી. અમે પણ વિરોધ પ્રદર્શનના મોટા સમર્થક છીએ. ખાસ કરીને આ રેસ્ટોરંટ લઘુમતી મહિલાની માલિકીની છે ત્યારે દરેક જાતિના સમાન અધિકાર હોવા જોઈએ અને ચામડીનો રંગ કયો છે તેની સાથે કોઇ લેવા દેવા નથી. જ્યોર્જ ફ્લોઈડ સાથે થયું તે અક્ષમ્ય છે પણ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે કરવું જોઈએ. રેસ્ટોરન્ટમાં ચોરી વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ નહિં પણ ચોરો દ્વારા કરવામાં આવી હોવાનું અમારૂ માનવું છે.
ફ્રેશ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડમાં સ્પેશ્યાલીટી ધરાવતી ‘દેશી ગલી’ના પ્રિયાવંદા ચૌહાણ અને તેમના પતિએ 2012માં આ રેસ્ટોરંટની સ્થાપના કરી હતી. મૂળ નવસારીના વતની શેફ પ્રિયાવંદાનો જન્મ અને ઉછેર કેનેડાના મોન્ટ્રીયલમાં થયો હતો. જ્યારે તેમના પતિ વિશાલ ચૌહાણ મૂળ સુરતના વતની છે અને તેમનો જન્મ અને ઉછેર ઇંગ્લેંડના કોવેન્ટ્રીમાં થયો હતો. તેમના માતાપિતા બંને 70ના દાયકાના પ્રારંભમાં ગુજરાત, ભારતથી સ્થળાંતર થયા હતા. તે બન્ને 11 વર્ષથી ન્યુ યોર્ક સિટીમાં રહે છે.
તેમણે જણાવ્યું હતું કે લેક્ષીંગ્ટન એવન્યુમાં આવેલ ‘કરી ઓન અ હરી’ રેસ્ટોરંટને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.
સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ ‘ખિલાડી’ પણ બ્રેક-ઇન્સનો ભોગ બન્યું
ઇસ્ટ વિલેજમાં જ એવન્યુ બી ખાતે આવેલી સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ ‘ખિલાડી’ પણ બ્રેક-ઇન્સનો ભોગ બન્યુ હતુ. એક પાડોશીએ નુકસાન કરાયું હોવાની જાણ કરતા તેના માલીક શ્રુથી ચૌધરી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા હતા અને નુકસાનની જાણ થતાં રડી પડ્યા હતા. તા. 1 જૂને પ્રતિભાવ આપતાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘’હું ગુસ્સે થઈ શકતી નથી. હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારા લોકોની સાથે ઉભી રહીશ અને ન્યાય માંગું છું. પરંતુ ઘૂસણખોરો અને તકવાદીઓને સંપૂર્ણપણે આ આંદોલનથી અલગ રાખવા જોઇએ. અમે હાર માનીશું નહીં. હું માનું છું કે માનવતા બાકી છે’’.
શ્રુથીએ ‘ગરવી ગુજરાત’ને ફોન પર જણાવ્યું હતું કે ‘’તા. 1 જૂનના રોજ મળસ્કે 2 કલાકે 6-7 જણાએ મારી રસ્ટોરંટના મેઇન દરવાજાનો કાચ તોડી નાંખ્યો હતો અને અંદર ઘુસી ટીલમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. મેx પોલીસને વિડીયો રેકોર્ડીંગ આપ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક સમુદાયે શ્રુથીને આશ્વાસન આપી તમામ સહાયની ખાતરી આપી હતી. મૂળ હૈદ્રાબાદ, આંધ્રપ્રદેશની શ્રુથી 11 વર્ષ પહેલા ફાર્માસ્યુટીકલનો માસ્ટર ડીગ્રી કોર્સ કરવા અમેરિકા ગઇ હતી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જોબ કરતી હતી. હજુ ઓગસ્ટ 2019માં જ તેણે રેસ્ટોરંટ શરૂ કર્યુ હતુ. તેના નસીબ ખરાબ હશે કે માર્ચ માસમાં કોવિડ અને હવે તોફાને તેની રેસ્ટોરંટને અસર કરી છે. પરંતુ શ્રુથી સારા કર્મો પર વિશ્વાસ ધરાવે છે અને અક્ષયપાત્રની મદદથી કોવિડ-19 દરમિયાન તણે સ્થાનિક હોસ્પિટલ્સને ઘણી વખત ભોજન પૂરૂ પાડ્યું હતુ.