કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન રેલવેનું ક્યારેય ખાનગીકરણ થશે નહીં અને તે હંમેશા ભારત સરકારની માલિકી હેઠળ રહેશે.
જોકે રેલવેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ખાનગી રોકાણને પ્રોત્સાહન પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે આમ તો દેશના રસ્તા પણ સરકારી સંપત્તિ છે છતાં કોઈએ એવુ નથી કહ્યું કે તેના પર માત્ર સરકારી વાહનો જ દોડવા જોઈએ. અમારા પર રેલવેના ખાનગીકરણનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પણ જો રસ્તાની વાત કરીએ તો સરકારી અને ખાનગી વાહનો જ અર્થતંત્રને આગળ ધપાવી રહ્યા છે.
ગોયલે કહ્યુ હતુ કે, રેલેવેમાં ખાનગીકરણનુ સ્વાગત થવુ જોઈએ. તેનાથી સુવિધાઓમાં સુધારો થશે. જોકે રેલવેને સંપૂર્ણપણે ખાનગી સેક્ટરના હાથમાં સોંપવાનો સવાલ આવતો નથી. રેલવે સરકારી સંપત્તિ છે અને રહેશે પરંતુ જો તેમાં ખાનગી રોકાણ આવતુ હોય તો તેનાથી કોઈને વાંધો હોવો જોઈએ નહી.