ઇન્ડિયન રેલવેએ રાજધાની, દુરંતો કે શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં અગાઉથી ઓર્ડર ન આપવામાં આવ્યા હોય તેવા તમામ ભોજન અને બેવરેજિસના સર્વિસ ચાર્જને નાબૂદ કર્યો છે, જોકે સ્નેક્સ, લંચ અને ડિનરના ભાવમાં રૂ.50નો વધારો કર્યો છે. હવે ચા અને કોફીના ભાવ અગાઉથી ઓર્ડર આપનારા અને નહીં આપનારા એમ તમામ પેસેન્જર્સ માટે એકસમાન રહેશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પો. (IRCTC)ના અગાઉના નિયમો મુજબ જો વ્યક્તિએ ટ્રેન ટિકિટ સાથે ભોજનનું બુકિંગ ન કરાવ્યું હોય તેમણે મુસાફરી દરમિયાન ફૂડનો ઓર્ડર આપતી વખતે વધારાના રૂ.50ની ચુકવણી કરવી પડતી હતી.
આવા મુસાફરોએ રૂ.20ની ચા કે કોફીના કપ માટે પણ વધારાના રૂ.50 ચુકવવા પડતા હતા. હવે મિલ્સનું અગાઉથી બુકિંગ ન કરનારા આવી પ્રીમિયમ ટ્રેનના મુસાફરોએ ચા માટે રૂ.20 જ ચુકવવા પડશે. અગાઉથી ભોજનનું બુકિંગ કરનારા મુસાફરોએ પણ આટલો ભાવ ચુકવવો પડશે. અગાઉ બ્રેકફાસ્ટ, લંચ અને ઇવનિંગ સ્નેક્સના ભાવ અનુક્રમે રૂ.105, રૂ.185 અને રૂ.90 હતા. આ ઉપરાંત દરેક મિલ માટે રૂ.50નો વધારાનો ચાર્જ વસૂલ કરાતો હતો. જોકે હવે આવા મિલ્સ માટે રૂ.155, રૂ.235 અને રૂ.140 ચુકવવા પડશે, કારણ કે ચાર્જિસ ચાર્જ નાબૂદ કરાયો છે, પરંતુ ભોજનના ખર્ચમાં તેનો ઉમેરો કરાયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે સર્વિસ ચાર્જની નાબૂદીની અસર માત્ર ચા અને કોફીના ભાવ પર પડશે.