ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ અને તેના ખર્ચની ચર્ચા હંમેશા વિરોધ પક્ષોના નિશાને હોય છે. હવે આ અંગે સરકારે તાજેતરમાં સંસદમાં આંકડા રજૂ કર્યા છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્રના જવાબમાં આ મુલાકાતોની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૨૧ દેશોનો પ્રવાસ કર્યો છે અને તેમાં રૂ.૨૨.૭૬ કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસોની વિગતો પણ આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં આઠ દેશોનો પ્રવાસ કર્યા હતા અને તેમાં રૂ. ૬.૨૪ કરોડથી વધુનો ખર્ચ થયો છે. સરકારે ૨૦૧૯થી વિદેશ પ્રધાન એસ. જયશંકરના 86 દેશોના પ્રવાસ માટે રૂ. ૨૦.૮૭ કરોડ ખર્ચ્યા છે. ૨૦૧૯થી વડા પ્રધાન મોદી ત્રણ વખત જાપાન, બે વાર અમેરીકા અને એક વખત યુએઇની મુલાકાતે ગયા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઠ દેશોની મુલાકાતે ગયા હતા, જ્યારે વર્તમાન પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મૂએ ગયા સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી.