ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ થયા છે. અમેરિકાની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં મોદી ૭૭ ટકા અપ્રુવલ સાથે ટોચ પર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન પ્રથમ પાંચમાં સ્થાન પામી શક્યા નથી, તો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન છેક તળિયે, 13મા ક્રમે છે.
અમેરિકાની ગ્લોબલ લીડર અપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટે વિતેલા સપ્તાહનું વૈશ્વિક નેતાઓનું અપ્રુવલ રેટિંગ જાહેર કર્યું હતું, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેટિંગ સૌથી વધુ છે. તેઓ ૭૭ ટકા સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા રહ્યા છે. ૧૮મી માર્ચે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સે તેનો લેટેસ્ટ ડેટા જાહેર કર્યો હતો. તે મુજબ ભારતના વડાપ્રધાન મોદીનું અપ્રુવલ રેટિંગ ૧૩ દેશોના નેતાઓમાં સૌથી વધુ છે. એ સંદર્ભમાં ભાજપે ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘વૈશ્વિક નેતાઓની સરખામણીમાં વડાપ્રધાન મોદી સૌથી વધુ લોકપ્રિય છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર ભારત બનવા તરફ અગ્રેસર છે.’
વડાપ્રધાન મોદીનું ડિસેપ્રુવલ રેટિંગ પણ સૌથી ઓછું ૧૭ ટકા છે. લેટેસ્ટ અપ્રુવલ રેટિંગ ૯ થી ૧૫ માર્ચ ૨૦૨૨ દરમિયાન એકત્ર કરાયેલા પ્રતિભાવો ઉપર આધારિત છે. આ ગાળામાં વડાપ્રધાન મોદીના રેટિંગમાં ૬ ટકાનો વધારો થયો છે.વિશ્વના ૧૩ દેશોના વડાઓમાં વડાપ્રધાન મોદી પછી મેક્સિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ૬૩ ટકા સાથે બીજા ક્રમે, ઈટાલીના મારિયો ડ્રાઘી ૫૪ ટકા સાથે ત્રીજા ક્રમે છે. જર્મન ચાન્સેલર ઓલાઝ સ્કોલ્ઝ ચોથા ક્રમે ૪૫ ટકા રેટિંગ સાથે છે. અગાઉ તેઓ ૪૪ ટકા સાથે પાંચમા ક્રમે હતા. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ૪૨ ટકા સાથે પાંચમા ક્રમે છે, જે અગાઉ ૪૮ ટકા સાથે ચોથા ક્રમે હતા.
વિશ્વમાં જગતજમાદાર ગણાતા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન લોકપ્રિયતાની બાબત અપ્રુવલ રેટિંગમાં ટોચના પાંચ નેતાઓમાં સ્થાન પામી શક્યા નથી, તો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન તો ૧૩ નેતાઓની યાદીમાં છેક છેલ્લા ક્રમે છે.અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેનની લોકપ્રિયતા ઘટી છે અને તેઓ ૪૧ ટકા સાથે સાતમા ક્રમે છે. છઠ્ઠા ક્રમે પડોશી દેશ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો છે. બાઈડેનની સાથે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રો અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ અપ્રુવલ રેટિંગમાં ૪૧ ટકા પ્રાપ્ત કરી શક્યા છે.
રીસર્ચ કંપનીએ કરેલા સરવેમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેનનું અપ્રુવલ રેટિંગ તેમના પ્રેસિડેન્ટ બન્યા પછી હાલ સૌથી ઓછું છે. ગયા વર્ષે કોરોના મહામારીમાં થયેલા મોતમાં વધારો અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઉતાવળે ઘરવાપસી જેવા નિર્ણયોના કારણે બાઈડેનની લોકપ્રિયતા ઘટવાનું શરૂ થયું છે. યુક્રેન સમસ્યા અને અમેરિકામાં ચાલી રહેલી અન્ય સમસ્યાઓના કારણે બાઈડેનનું અપ્રુવલ રેટિંગ આગામી સમયમાં વધુ નીચે જવાની આશંકા છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અપ્રુવલ રેટિંગમાં ૩૩ ટકા સાથે સૌથી નીચા ક્રમે છે. મોર્નિંગ કન્સલ્ટના જણાવ્યા મુજબ આ સરવે કોઈપણ દેશમાં બધા જ વયસ્કોના સાત દિવસની મુવિંગ એવરેજ પર આધારિત રીયલ-ટાઈમ ડેટા દર્શાવે છે, જેમાં ભૂલની શક્યતા ૧ થી ૩ ટકા જેટલી છે. અમેરિકામાં સરેરાશ નમૂનાની સાઈઝ ૪૫,૦૦૦ છે જ્યારે અન્ય દેશોમાં તે લગભગ ૩,૦૦૦થી ૫,૦૦૦ વચ્ચે છે.
આ સરવેમાં લોકોને એવું પણ પૂછાયું હતું કે, તેમના મતે દેશમાં બધુ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે કે કેમ. 15મી માર્ચના સરવેમાં ભારતના 75 ટકા લોકોએ દેશમાં બધુ બરાબર ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. મે, 2021માં ફક્ત 53 ટકા લોકોના મતે ભારતમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું.આ સરવેમાં ભારતમાં ફક્ત સાક્ષર – ભણેલા લોકોના પ્રતિભાવોનો જ સમાવેશ કરાયો છે. તમામ લોકોના પ્રતિભાવ ઓનલાઈન જ મેળવાયા હતા.