ભારતીય મૂળના વૈભવ તનેજાને ઇલોન મસ્કની કંપની ટેસ્લાના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કરાયા છે. ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે ત્યારે આ નિયુક્તિ કરાઈ છે.
45 વર્ષના તનેજા હાલમાં અમેરિકાની આ અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર (CAO) તરીકે કામગીરી કરે છે.
તનેજાએ માર્ચ 2019થી ટેસ્લાના CAO તરીકે અને મે 2018થી કોર્પોરેટ કંટ્રોલર તરીકે સેવા આપી છે. તેમણે ફેબ્રુઆરી 2017 અને મે 2018 વચ્ચે ઓસિસ્ટન્ટ કોર્પોરેટ કંટ્રોલર તરીકે અને માર્ચ 2016થી સોલારસિટી કોર્પોરેશનમાં વિવિધ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ભૂમિકાઓમાં સેવા આપી હતી. યુએસ સ્થિત સોલર પેનલ ડેવલપરને ટેસ્લાએ 2016 ખરીદી હતી. અગાઉ તનેજા જુલાઈ 1999 અને માર્ચ 2016 વચ્ચે ભારત અને અમેરિકા બંનેમાં પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં નોકરી કરતાં હતાં.
વૈભવ તનેજાએ 1996થી 1999ની વચ્ચે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 1997થી 2000 સુધી તેમણે ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉંટેંટ્સ ઓફ ઈન્ડિયાથી CAનો અભ્યાસ કર્યો હતો. તેમણે 2017માં ટેસ્લા સાથે કામ શરૂ કર્યું ત્યારે તે સોલાર એનર્જીની કંપની સોલારસિટીની સાથે કામ કરતાં હતાં.