સિંગાપોરમાં એક દાયકાથી વધુ સમય પછી દેશના નવમા પ્રેસિડેન્ટ માટે શુક્રવારે ચૂંટણી યોજાઇ હતી, જેમાં સિંગાપોરમાં જન્મેલા અને ભારતીય મૂળના ભૂતપૂર્વ પ્રધાન અને અર્થશાસ્ત્રી થર્મન શનમુગરત્નમે 70 ટકા મતો મેળવીને વિજેતા થયા હતા. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. ચૂંટણી વિભાગે જાહેર કરેલી મતોની ગણતરી પ્રમાણે શનગુમરત્નમના હરીફો- સિંગાપોર ગવર્મેન્ટ ઈન્વેસ્ટમેન્ટ કોર્પ(જીઆઈસી)ના પૂર્વ મુખ્ય અધિકારી એનજી કોક સોંગને 16 ટકા અને સિંગાપોર સરકારની માલિકીની વીમા કંપની એનટીયૂસી ઈનકમના પૂર્વ પ્રેસિડેન્ટ ટેન કિન લિયાનને 14 ટકા મતો મળ્યા હતા. મતદાનના પરિણામ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા.

વર્તમાન પ્રેસિડેન્ટ હલીમા યાકૂબનો છ વર્ષનો કાર્યકાળ 13મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણી અનામત ચૂંટણી હતી, જેમાં ફક્ત મલય સમુદાયના સભ્યોને જ ચૂંટણી લડવાની મંજૂરી હતી. 2011 પછી પ્રેસિડેન્ટ પદ માટેની આ પ્રથમ ચૂંટણી છે. ભારતીય મૂળના 66 વર્ષીય અર્થશાસ્ત્રી થર્મને દેશની સંસ્કૃતિને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવવાના વચન સાથે જુલાઈમાં ચૂંટણી કેમ્પેઇનનો પ્રારંભ કર્યો હતો. અત્યાર સુધીમાં સિંગાપોરમાં ભારતીય મૂળના બે પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, જેમાં ચેંગારા વીટિલ દેવન નાયર અને સેલપ્પન રામનાથનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY