ભારતીય મૂળના સચિત મહેરા કેનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના નવા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા છે. પાર્ટીના પ્રેસિડન્ટ તરીકે તેઓ પક્ષના સભ્યપદમાં વધારો, ભંડોળ એકત્રીકરણ અને સમગ્ર દેશમાં પાર્ટીનું માળખુ ઘડવા જેવી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ કરશે. લિબરલ પાર્ટી ઓફ કેનેડાના નેતા વડા પ્રધાન જસ્ટિન ટુડ્રો છે. 2025માં આગામી ફેડરલ ચૂંટણીઓ યોજાશે ત્યારે મહેરા પાર્ટી સંગઠનનું નેતૃત્વ કરશે.
શનિવારે ઓટાવામાં પાર્ટીના ત્રણ દિવસીય અધિવેશનના અંતે મહેરાને ચૂંટાયેલા જાહેર કરાયાં હતાં. તેમણે પાર્ટીના ઉપાધ્યક્ષ મીરા અહમદને હરાવ્યાં હતાં અને પાર્ટીના પ્રેસિડન્ટ તરીકે સુઝાન કોવાનનું સ્થાન લેશે.
ચૂંટણી પરિણામની જાહેરાત થયાં પછી મહેરાએ ટ્વીટ કર્યું હતું કે “નેશનલ લિબરલ પાર્ટીનું સંમેલન પક્ષ અને એક ટીમ તરીકે એક અદભૂત ક્ષણ બની હતી. તમારા પ્રેસિડન્ટ તરીકે સેવા આપવાનું મને ગૌરવ મળ્યું છે. ઓટાવામાં વધુ લિબરલ સાંસદોને મોકલવા માટે અમારે સમુદાયોમાં પરત જવું પડશે અને હવે કામગીરી શરૂ કરવી પડશે.”
મહેરા મેનિટોબા પ્રાંતના વિનીપેગ શહેરમાં રહે છે. તેઓ મૂળમાં નવી દિલ્હીના છે. તેમના પિતા 1960ના દાયકામાં કેનેડામાં અભ્યાસ કરવા માટે ભારતની રાજધાનીથી સ્થળાંતર થયાં હતાં. મહેરા એક બિઝનેસમેન છે. તેમનો પરિવાર ઈસ્ટ ઈન્ડિયા રેસ્ટોરન્ટ્સ કંપની ચલાવે છે, જે વિનીપેગ અને ઓટાવામાં બિઝનેસ કરે છે.
મહેરાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પાર્ટીના હોદ્દા માટે ચૂંટણી લડવાના તેમના ઇરાદાની જાહેરાત કરી હતી. તેમણે કેનેડાની ફેડરલ લિબરલ એજન્સીના અધ્યક્ષ, લિબરલ પાર્ટી ઓફ કેનેડા (મેનિટોબા)ના પ્રમુખ અને યંગ લિબરલ્સના પ્રમુખ તરીકે સેવા આપી છે.
તેમની પ્રચારઝુંબેશની વેબસાઈટ પર મહેરાએ પોતાને એક કમ્યુનિટી બિલ્ડર, બિઝનેસ માલિક, મેનેજર, પિતા, પતિ, લિબરલ સભ્ય, દાતા અને સ્વયંસેવક તરીકે ઓળખાવ્યાં હતાં. ભારતમાં 2021માં કોરોનાના ડેલ્ટા વેવ દરમિયાન ઓક્સિજનેટર્સ પહોંચાડવા માટે મહેરાએ ભંડોળ એકત્રીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહેરા હિન્દી અને પંજાબી ભાષાના જાણકાર છે.