ભારતીય મૂળના એસોસિએટ પ્રોફેસરે મેસેચ્યુસેટ્સની વેલ્સલી બિઝનેસ સ્કૂલ સામે રંગ અને લિંગભેદનો આરોપ મૂકીને કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. બેબ્સન કોલેજમાં આંત્રેપ્રિન્યોરશીપ વિષયના એસોસિએટ પ્રોફેસર લક્ષ્મી બાલચંદ્રએ આરોપ મૂક્યો હતો કે, ગેરવર્તણૂક અને તેમની સમસ્યાઓને તપાસવામાં વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે તેમને કારકિર્દીમાં ઘણી તકો ગુમાવવી પડી હતી, આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું, માનસિક તણાવની સમસ્યા થઈ હતી અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું એવી માહિતી ‘ધ બોસ્ટન ગ્લોબ’ વર્તમાન પત્રમાં ૨૭ ફેબ્રુઆરીએ આપવામાં આવી હતી.
બાલચંદ્ર ૨૦૧૨માં ફેકલ્ટી તરીકે જોડાયા હતા. તેમણે કેસમાં જણાવ્યું છે કે, “કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને ઉદ્યોગસાહસિકતા વિભાગના ચેરમેને ભેદભાવનો માહોલ ઊભો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.” બાલચચંદ્રએ ૨૭ ફેબ્રુઆરીએ બોસ્ટન ખાતેની અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરેલી ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, શૈક્ષણિક એસાઇન્મેન્ટ્સ, ક્લાસ શિડ્યુલિંગ અને વાર્ષિક સમીક્ષા પર નજર રાખતા કોર્બેટે બાલચંદ્રને ઉદ્યોગસાહસિકતામાં પસંદગીના કોર્સ શીખવવાની મંજૂરી આપી હતી. તેમણે અગાઉ MIT સ્લોઅ્ન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અન્ય કોર્સ શીખવ્યા હોવા છતાં તેમને એ શીખવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
લક્ષ્મી બાલચંદ્રએ ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, “બેબ્સનમાં શ્વેત અને પુરુષ ફેકલ્ટીની તરફેણ કરાય છે. તેમને જ મોટા ભાગના પુરસ્કાર અને વિશેષાધિકારથી નવાજવામાં આવે છે.” તેમણે કહ્યું હતું કે, “મારા રિસર્ચ રેકોર્ડ, રસના વિષયો અને કોલેજમાં સેવા છતાં લાંબા સમય સુધી રિસર્ચ કરવાની તેમજ લખવાની તકો અને સંખ્યાબંધ લીડરશિપ હોદ્દા પર બઢતી આપવામાં આવી ન હતી.”