ભારતીય મૂળના નિહાર માલવિયાને ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન જૂથ પેંગ્વિન રેન્ડમ હાઉસના વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્કસ ડોહલે રાજીનામાની જાહેરાત કર્યા બાદ નિહાર માલવિયાના નામની જાહેરાત થઈ હતી.
પબ્લિશિંગ કંપનીની માલિક કંપની બર્ટલ્સમેનને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું માલવિયા 1 જાન્યુઆરી, 2023થી પેંગ્વિન રેન્ડમ હાઉસના વચગાળાના સીઈઓ તરીકેની ભૂમિકા ગ્રહણ કરશે.
માલવિયા 2019થી પેંગ્વિન રેન્ડમના અમેરિકન વિભાગ પેંગ્વિન રેન્ડમ હાઉસ યુએસના પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) છે. માલવિયા બર્ટલ્સમેનના સીઈઓ થોમસ રાબેને રિપોર્ટ કરશે. માલવિયા બર્ટલ્સમેનની ગ્રુપ મેનેજમેન્ટ કમિટી (જીએમસી)માં પણ જોડાશે, તેમજ પેંગ્વિન રેન્ડમ હાઉસ ગ્લોબલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે ચાલુ રહેશે.
નિવેદનમાં જણાવ્યા મુજબ માલવિયાની નિમણૂક બાદ GMCમાં આઠ દેશોના 20 ટોપ એક્ઝિક્યુટિવનો સમાવેશ થશે.
પ્રેસિડન્ટ અને COO તરીકે 48 વર્ષના માલવિયા યુ.એસ.માં સપ્લાય ચેઈનથી લઈને ટેકનોલોજી અને ડેટાથી લઇને ક્લાયન્ટ સેવાઓ સુધીના તમામ પ્રકાશન કામગીરી માટે જવાબદાર હતા.
માલવિયાએ 2001માં બર્ટલ્સમેન એન્ટરપ્રેન્યોર્સ પ્રોગ્રામમાં સહભાગી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે NYU સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગમાં MBA તેમજ કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઑફ સાયન્સ કર્યું છે. માલવિયા યેલ યુનિવર્સિટી પ્રેસના બોર્ડના સભ્ય પણ છે.