સિંગાપોરમાં એરફોર્સમાં કાર્યરત ભારતીય સમુદાયના એક પુરુષને મહિલાઓની અંતરંગ તસ્વીરો લેવાના આરોપમાં 11 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે. તેના પર મહિલાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની લોગિન વિગતો પણ ફિશિંગ કરવાનો આરોપ હતો.
26 વર્ષીય કે. ઇશ્વરન કમ્પ્યુટર મિસયુઝ એક્ટ અંતર્ગત 10 આરોપોમાં દોષિત જણાયો હતો. 2019થી 2023 સુધી તેણે 22 પીડિત મહિલાના સોશિયલ એકાઉન્ટ, ક્લાઉડ સર્વર અને ઇમેઇલ એકાઉન્ટમાં લોગિન ક્રેડેન્શિયલ્સ મેળવવા માટે ફિશિંગ લિંક મોકલી હતી. પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, ઇશ્વરને તેની ઓળખીતી મહિલાઓને ઇરાદાપૂર્વક લક્ષ્યાંક બનાવી હતી. તેમની અંતરંગ તસ્વીરો તેણે એડલ્ટ સાઇટ પર પોસ્ટ કરી હતી.
તમામ પીડિત મહિલાઓની ઓળખ કોર્ટના આદેશ મુજબ સુરક્ષિત રાખવામાં આવી હતી. પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, મદદગાર નેટીઝન તરીકે ઇશ્વરન પીડિત મહિલાઓને એક મેસેજ સાથે ફિશિંગ લિંક મોકલતો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અંતરંગ તસ્વીરો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઇશ્વરને અનેક પુરુષોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કર્યા હતા. પછી તે તેમના એકાઉન્ટ દ્વારા ખાસ તો એવી મહિલાઓનો સંપર્ક કરતો હતો જેમના એ પુરુષો સાથે સંબંધ હતા અને તેમની પાસેથી અંતરંગ તસ્વીરો પણ માગતો હતો.
ઇશ્વરનની પત્નીએ મે મહિનાની શરૂઆતમાં બાળકને જન્મ આપ્યો હોવાથી તેને મદદ કરવા માટે તેણે સમય માગ્યો હતો. આથી કોર્ટે તેની વિનંતી સ્વીકારી હતી અને તેની સજાની શરૂઆત 19 જુનથી શરૂ થશે.

LEAVE A REPLY