હ્યુસ્ટનમાં ગેરકાયદે રહેતા 38 વર્ષીય ભારતીય નાગરિકને કોલ સેન્ટર કૌભાંડ આચરવા બદલ જેલ સજા ફટકારવામાં આવી છે, તેવી જાહેરાત યુએસ એટર્ની જેનિફર બી. લોવરીએ કરી હતી. આ કૌભાંડમાં વાસીમ મેકનોજિયા ગત વર્ષે 13 સપ્ટેમ્બરના રોજ દોષિત ઠર્યો હતો.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લીન એન હ્યુજીસે વાસીમને તાજેતરમાં 60 મહિનાની જેલ સજા જાહેર કરી છે. અમેરિકન નાગરિક નથી એવા મેકનોજિયાને તેની જેલ સજા પછી દેશ નિકાલ કરવામાં આવે તેવી સંભાવના છે. મેકનોજિયાએ એપ્રિલથી ઓક્ટોબર 2019 વચ્ચે ભારતીય કોલ સેન્ટરનો ઉપયોગ કરીને ટેલીમાર્કેટિંગ સ્કીમ દ્વારા અમેરિકાવાસીઓ પાસે નાણા પડાવ્યા હતા. મેકનોજિયાએ આ સ્કીમોના સંચાલક તરીકે કામ કરીને ખોટા નામ અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતોએ રોકડ ભરીને મોકલેલા 70થી વધુ પાર્સલ મેળવી લીધા હતા.
દોષિત જાહેર થતી વખતે મેકનોજિયાએ સ્કીમના ઓળખાયેલા પીડિતોને નાણા પરત કરવાની સહમતી દર્શાવી હતી.
આ કેસની તપાસ એફબીઆઈ, સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન-ઓફિસ ઓફ ઇન્સપેક્ટર જનરલ અને ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ દ્વારા હ્યુસ્ટન પોલીસ ડીપાર્ટમેન્ટની મદદથી કરવામાં આવી હતી.