સિંગાપોરમાં એક ભારતીય નાગરિકને તે જ્યાં કામ કરતો હતો તે કંપનીનું સર્વર બિનઅધિકૃત રીતે હેકિંગ કરવા બદલ બે વર્ષ અને છ મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હતી. આ શખ્સે કંપનીના 180 વર્ચ્યુઅલ સર્વર્સને કાઢી નાખીને કંપનીના માલિકને 918,000 સિંગાપોર ડોલરનું નુકસાન પહોંચાડ્યું હતું. 39 વર્ષીય કંડુલા નાગારાજુને સજાને જાહેર કરતી વખતે અન્ય આરોપ પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2022માં તેની નબળી કામગીરીના કારણે આઇટી કંપની-એનીસીએસ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેના કારણે તે નિરાશ થયો હતો. નવેમ્બર 2021થી ઓક્ટોબર 2022 વચ્ચે તે કંપનીની 20 સભ્યોની ક્વોલિટી એસ્યોરન્સ કમ્પ્યુટર સીસ્ટમ ટીમમાં કામ કરતો હતો. આ ટીમ નવા સોફ્ટવેર અને પ્રોગ્રામ્સને લોંચ કરતા પહેલા તેની ચકાસણી કરવાનું કામ કરતી હતી. તેમાં 180 વર્ચ્યુઅલ સર્વર્સ અને સામાન્ય માહિતી હતી.
કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ, જ્યારે કંપનીમાંથી કંડુલાની હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે તે વ્યાકુળ અને નિરાશ હતો. ત્યારે તે એવું માનતો હતો કે, તેણે સારું કામ કર્યું હતું અને કંપનીમાં સારું યોગદાન આપ્યું હોવા છતાં તેને કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યારપછી તેની પાસે સિંગાપોરમાં અન્ય કોઇ નોકરી નહોતી અને તે પરત ભારત જતો રહ્યો હતો. આ દરમિયાન તેણે તેના લેપટોપમાંથી કંપનીની માહિતીનો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તે ફરીથી નોકરી મળતા સિંગાપોર ગયો હતો. ત્યાં તે એનસીએસના ભૂતપૂર્વ સાથી સાથે એક રૂમમાં રહેતો હતો. આ દરમિયાન તેણે કંપનીના સર્વરનો ઉપયોગ કરીને તેને કાઢી નાખ્યા હતા.
આ બાબત કંપનીના ધ્યાનમાં આવતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. વધુ તપાસમાં પોલીસે કંડુલાનું લેપટોપ જપ્ત કરીને તેની તપાસ કરી હતી, જેમાં તે દોષિત જણાયો હતો.

LEAVE A REPLY