અમેરિકાની બેંક સાથે 17 મિલિયન ડોલરની છેતરપિંડી આચરવાના કેસમાં 52 વર્ષીય ભારતીય નાગરિક દોષિત ઠર્યો હોવાનું યુએસ એટર્ની ફિલિપ આર સેલિંગરે જાહેરાત કરી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા મુજબ, ન્યૂજર્સીસ્થિત માર્બલ અને ગ્રેનાઇટના હોલસેલરના ભૂતપૂર્વ કર્મચારી નીતિન વત્સ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ સુસાન ડી વિગેન્ટન સમક્ષ બેંક સાથે છેતરપિંડીનું ષડયંત્ર આચરવાના કેસમાં દોષિત ઠર્યો હતો.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, માર્ચ 2016થી માર્ચ 2018 વચ્ચે નીતિન વત્સ સહિત લોટસ એક્ઝિમ ઇન્ટરનેશનલ ઇન્કના માલિક અને કર્મચારીઓએ બેંક પાસે 17 મિલિયન ડોલરની ક્રેડિટ મેળવવા માટે ષડયંત્ર રચ્યું હતું. ઠગાઇનો ભોગ બનેલી બેંકે લોટસ એક્ઝિમ કંપનીની ક્રેડિટ લંબાવી હતી.
પ્રોસીક્યુટર્સે આરોપ મુક્યો હતો કે, પર્યાપ્ત જામીનગીરીની અછતને છુપાવવા માટે, વત્સે કંપનીના ગ્રાહકો વતી નકલી ઈમેલ એડ્રેસ બનાવ્યા જેથી લોટસ એક્ઝિમના અન્ય કર્મચારીઓ તે ગ્રાહકો તરીકે રજૂ થઇ શકે અને બેંક દ્વારા તેમ જ બહારના ઓડિટરની પૂછપરછનો જવાબ આપી શકે.
આ યોજનાને કારણે બેંકને અંદાજે 17 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. નીતિન વત્સને વધુમાં વધુ 30 વર્ષની જેલ સજા, એક મિલિયન ડોલરનો દંડ થવાની સંભાવના છે. તેને 11 સપ્ટેમ્બરના રોજ સજા જાહેર કરવામાં આવશે.