અમદાવાદ જિલ્લા કલેક્ટર સોમવારે કલેક્ટર કચેરીમાં ૨૪ પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો અપાયા હતા. તેઓ ઘણા વર્ષોથી ‘લોંગ ટર્મ વિઝા ‘ પર રહેતા હતા. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં ૯૨૪ પાકિસ્તાની હિન્દુ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવી છે.
અમદાવાદમાં સરદારનગર, કુબેરનગર, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. દેશના ભાગલા વખતે અને બાબરી મસ્જિદ ધ્વંસ વખતે તથા તે પછીના વર્ષોમાં આ હિન્દુ પરિવારો પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં ઘર-જમીન સહિતની માલમિલકત છોડીને ખાલી હાથ ભારત આવી ગયા હતા.
જિલ્લા કલેક્ટર દ્વારા સમયાંતરે કેમ્પો યોજીને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપતા હોય છે. આ અંગે અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા ૯૨૪ લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો અપાયા છે. અન્ય આવેલી અરજીઓ સ્ટેટ અને સેન્ટ્રલ આઇબીમાં અભિપ્રાય માટે પડી છે.
કલેક્ટરમાં આવ્યા બાદ તાત્કાલિક ધોરણે આ અરજીનો નિકાલ કરાય છે. અને ભારતીય નાગરીકતા અપાય છે. પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા આપવાના મામલામાં અમદાવાદ દેશમાં મોખરે છે.