અમેરિકા આ અઠવાડિયે 161 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલશે. તેમાંથી મોટાભાગના લોકો ગેરકાયદે મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘૂસ્યા હતા. તેમની પાસે અમેરિકામાં પ્રવેશ કરવા માટેના કોઇ દસ્તાવેજ નહોતા. એક વિશેષ વિમાનમાં તેમને પંજાબના અમૃતસર ખાતે મોકલાશે. જેમને પરત મોકલવાના છે તેમાં સૌથી વધુ 76 લોકો હરિયાણાના છે. પછી પંજાબના 56, ગુજરાતના 12, ઉત્તર પ્રદેશના પાંચ, મહારાષ્ટ્રના ચાર, કેરળ, તેલંગણ અને તમિલનાડુના બે-બે તેમ જ આંધ્ર પ્રદેશ અને ગોવાના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન (NAPA) એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સતનામ સિંઘ ચહલના જણાવ્યા મુજબ, આ લોકો અમેરિકાભરની 95 જેલોમાં કેદ 1,739 ભારતીયો પૈકીના છે. આ લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અથવા આઇસીઇ દ્વારા પકડવામાં આવ્યા હતા. આઇસીઇના રીપોર્ટ મુજબ 2018માં અમેરિકાએ 611 ભારતીયોને સ્વદેશ પરત મોકલ્યા હતા અને ગત વર્ષે આ આંકડો અઢી ગણો વધીને 1616 પર પહોંચ્યો હતો.
આ સપ્તાહે જે 161 લોકોને પરત મોકલાશે તેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં સૌથી નાની ઉમરના હરિયાણાના 19 વર્ષના બે યુવાનો પણ છે. ચહલે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાની જેલોમાં કેદ અન્ય ભારતીય નાગરિકો સાથે હવે આગળ શું થશે તેની કોઇ માહિતી નથી.
આ જેલોમાં કેદ ભારતીયોમાં સૌથી વધુ કયા રાજ્યના છે તેની પણ માહિતી નથી. જોકે એવું માનવામાં આવે છે કે, તેમાંના મોટાભાગના લોકો ઉત્તર ભારતીય છે. આ અટક કરાયેલાઓમાં મોટાભાગના લોકોએ આશ્રય માગ્યો હતો અને એવો દાવો કર્યો હતો કે, તેમના પર પોતાના દેશમાં હિંસા અને અત્યાચાર થતો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકન ન્યાયાધિશોએ તેમની આ દલીલ સ્વીકારી નહોતી અને તેમની અરજી ફગાવી હતી.
ઘણા વર્ષોથી આવા લોકો વચ્ચે કામ કરનાર ચહલે એવો આરોપ મુક્યો હતો કે, ઉત્તર ભારત અને ખાસ તો પંજાબમાં માનવ તસ્કરો અને અધિકારીયો વચ્ચે સાંઠગાંઠ છે, જે યુવાનોને પોતાનું ઘર છોડવા અને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે પ્રોત્સાહન આપે છે. તેમની વચ્ચેના દલાલો અને એજન્ટ વ્યક્તિ દિઠ 35થી 50 લાખ રૂપિયા સુધી ખંખેરે છે. ચહલે પંજાબ અને કેન્દ્ર સરકારને આવા ગેરકાયદે એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજ કરી છે.